Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર પીજીવીસીએલનું તંત્ર સુતું રહે છે અને વારંવાર વીજ વિજીલન્સ ત્રાટકીને મસમોટી વીજચોરી પકડી અને સ્થાનિક તંત્રનું નાક વાઢી જાય છે, તેના પરથી જામનગર સ્થાનિક સર્કલ કચેરીએ થોડીક સબક લીધી હોય અને થોડું જાગૃત થયું હોય તેવી એક મસમોટી વીજચોરી ઝડપી પાડવામાં સફળતા મળી છે.વીજ ચોરી અંગેની ખાનગી બાતમીના આધારે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર તેમજ વિજિલન્સ વિભાગ રાજકોટ તેમજ અધિક્ષક ઈજનેર જામનગરની સીધી દેખરેખ અને રાહબરી હેઠળ સ્થાનિક વિજિલન્સની ત્રણ ટુકડીઓ દ્વારા ગત મોડી રાત્રે પોલીસ રક્ષણ સાથે ઓખામંડળ તાલુકાના કોરાડા ગામે ચાલતી દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મીલમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવેલ.
જે વીજ ચેકિંગ દરમ્યાન સદર ઓઇલ મીલનું વીજ જોડાણ ચાવડા ભાયાભાઇ માલદેભાઈના ટ્રાન્સફોર્મર પરથી ડાયરેક્ટ કેબલથી જોડાણ લઈ મીટર બાયપાસ કરી વીજ ચોરી ફલિત થતા આ આસામી વિરુધ્ધ વીજ અધિનિયમ-2003 ની કલમ 135 અન્વયે કાર્યવાહી કરી, આસામીને રૂ. 55,71,699 નું પુરવણી બિલ ઇશ્યુ કરવામાં આવેલ છે. તેમજ વીજ અધિનિયમ 2003 ની કલમ 135 અન્વયે આસામી વિરુધ્ધ વિરુદ્ધ વીજ ચોરી ની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.