Mysamachar.in-ગાંધીનગર:
પ્રદેશ બીજેપી અધ્યક્ષ આત્મવિશ્વાસથી છલોછલ છે અને ચૂંટણીઓના પરિણામો કેવા હોવા જોઈએ, એ અંગે સ્પષ્ટ છે. તેઓ કોઈ પણ પ્રકારની નબળી વાત ચલાવી લેવા તૈયાર નથી. તેઓએ આડકતરી રીતે નહીં પરંતુ સીધેસીધું ધારાસભ્યોને કહી દીધું કે, સઘળો આધાર અને મદાર તમારાં દેખાવ પર છે.
ગુજરાતમાં ભાજપએ લોકસભાની તમામ 26 બેઠકના ઉમેદવાર અને વિધાનસભા પેટા ચૂંટણીઓના તમામ પાંચ ઉમેદવાર જાહેર કરી દીધાં છે અને પક્ષના સંગઠનને હવે કામે લાગી જવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. પક્ષના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે સર્વે પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખે માર્ગદર્શન આપવા સાથે ચેતવણીઓ પણ આપી દીધી.
આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે પક્ષના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, ચૂંટણીઓ સંબંધે કોઈને, કાંઈ પણ સમસ્યાઓ હોય તો, સીધા મને કહે. અંદર અંદર મુંઝાઈને ચર્ચાઓ કરવાને બદલે સીધું જ મને પૂછી લેવું. રાજ્યની કેટલીક બેઠકો પર છેડાઈ રહેલાં અસંતોષ અને નારાજગીના સૂરોથી પરિચિત પાટીલે આ પ્રકારની ગતિવિધિઓ આગળ વધતી અટકાવવા આમ કહ્યાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત તેઓએ કહ્યું: દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં એક એક લાખની લીડનો ટાર્ગેટ રાખે તો સાંસદપદના ઉમેદવાર આસાનીથી પાંચ લાખની લીડ પ્રાપ્ત કરી શકે. કોઈને પાંચ લાખની લીડમાં મુશ્કેલીઓ દેખાતી હોય તો, મને અત્યારે કહો. છે કોઈને મુશ્કેલીઓ ? એવો પ્રશ્ન તેમણે સીધો જ પૂછી લીધો હતો. પાટીલના આ પ્રશ્નનો સૌએ નકારમાં જવાબ વાળતાં, મુશ્કેલીઓ નથી એમ જણાવતાં પાટિલે હળવેકથી ટકોર કરી: અત્યારે પાંચ લાખની લીડમાં કોઈને મુશ્કેલીઓ છે તેમ પૂછયું ત્યારે સૌએ ના પાડી છે પણ પછી જો પોણાં પાંચ લાખની લીડ આવશે તો ત્યારે કોઈ પણ બહાનું ચલાવી લેવામાં આવશે નહીં.
આ બેઠકમાં પક્ષના 156 પૈકી 101 ધારાસભ્ય હાજર રહ્યા હતાં, જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થતો હતો. પાટીલે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું: કેન્દ્રીય નેતાગીરીએ ટિકિટની ફાળવણી કરી દીધી છે. બધાંને ટિકિટ ન આપી શકાય. સક્ષમ હશો તો પદ મળશે. તમારાં પ્રયાસ પ્રમાણિક હશે તો જરૂરથી પરિણામ મળશે. હવે બાકીના કાર્યકરોએ કમળની જિત માટે સાથે રહીને કામ કરવાનું છે. પ્રદેશ પ્રમુખે એક તબક્કે એમ પણ સ્પષ્ટ કર્યું કે, ક્યાંય, કોઈ ગરબડ હોય તો મને કહેજો. નુકસાન થઈ જાય પછી, માત્ર કારણો જાણવામાં મને રસ નથી.