Mysamachar.in-અમદાવાદ:
ગુનાખોરીની દુનિયામાં એક વણલિખિત નિયમ એ રહ્યો છે કે, જ્યાં સુધી ગુનેગાર વિરૂદ્ધની ફરિયાદ રેકર્ડ પર ન ચડે ત્યાં સુધી આ પ્રકારના ભેજાબાજો રહસ્યમય કારણોસર મોજમજા કરતાં રહે છે, મહાનુભાવો સાથે ફોટોઝ અને વીડિયોઝમાં ચમકતા રહે છે અને કોઈ પણ પ્રકારના ચેકિંગ કે વિજિલન્સમાં તેઓ ઝડપાઈ જતાં નથી, પછી એક સમય એવો આવે કે- તેના વિરૂદ્ધ ફરિયાદ થાય અને પછી નાટકીય ઢબે આ હરામખોરો ગણતરીના કલાકો કે દિવસોમાં ઝડપાઈ ગયેલાં જાહેર થાય અને સાથે જ તેના બધાં પરાક્રમોની ઝીણામાં ઝીણી વિગતો એકસામટી બહાર આવી જાય. આ પ્રકારના ઘટનાક્રમોને લોકો સાચાં નથી માની લેતાં પણ શંકાઓ અને અચરજની દ્રષ્ટિએ જૂએ છે. આવો વધુ એક ઘટનાક્રમ જાહેર કરવામાં આવ્યો. મહાઠગ મેહુલ ઝડપાયો.
જાહેર થયેલી વિગતો: ગુજરાત સરકારમાં પોતે ઉચ્ચ હોદ્દા પર છે એવું જાહેર કરીને લાલ બતી તથા પડદાંવાળી કારમાં ફરતો અને લોકો પાસેથી, લાંબા સમયથી લાખો રૂપિયા ઠગતો મેહુલ પરિમલ શાહ, અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઘૂંટણિયે બેઠો છે. આ મહાઠગ લોકોને સરકારી નોકરીની લાલચ અને કોલેજોમાં એડમિશન જેવા કામોના બદલામાં નાણાં પડાવી લેતો. મૂળ વાંકાનેરના આ શખ્સને સુરેન્દ્રનગરથી ઉપાડી લેવામાં આવ્યો છે.
આ શખ્સના કબજામાંથી નકલી વર્ક પરમિટ, નકલી પ્રમાણપત્ર, 1 લાખ રોકડા, ભારત સરકારનું આધારકાર્ડ, રેવન્યુ વિભાગનું રાષ્ટ્રમુદ્રાવાળું એક ઓળખપત્ર, સાયન્સ એન્ડ રિસર્ચ ડીપાર્ટમેન્ટનું એક ઓળખપત્ર, ફેમિલી વેલફેર ડીપાર્ટમેન્ટનો એક લેટર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો લેટર, પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટ ‘આપવા’ માટેનો પત્ર, અને પોતે ઉચ્ચ સરકારી અધિકારી છે એવા 29 લેટરપેડ.
અમદાવાદના પાલડીમાં ટ્રાવેલ્સનું કામ સંભાળતા પ્રતીક શાહે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી અને મેહુલ પરિમલ શાહ ઝડપાઈ ગયો. ઠગે આ ફરિયાદી પાસેથી ઈનોવા કાર ભાડે લીધેલી અને તેમાં લાલબતી તથા પડદાં લગાવવા સૂચનાઓ આપી. સાથેસાથે એમ પણ જાહેર થયું કે, આ ઠગ મોરબીના વાંકાનેરમાં 2 શાળાઓ ધરાવે છે. તે પોતાની માતા સાથે વાંકાનેરમાં પ્રતાપ ચોકમાં રહે છે. સુરેન્દ્રનગરમાં 2 વિદ્યાર્થીઓને ફાર્મસી કોલેજમાં પ્રવેશ અપાવી ઠગે રૂ. પાંચ લાખ પડાવી લીધાં બાદ ખબર પડી કે, સુરેન્દ્રનગરમાં ફાર્મસી કોલેજ જ નથી.
આ નકલી IAS અધિકારીએ અમદાવાદથી જે કાર ભાડે લીધી તે કાર તેના પરિવારના સભ્યોને વાંકાનેરમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં મૂકવા માટે ભાડે લેવામાં આવેલી. આ ઠગે અમદાવાદના એક યુવાનને ક્લાર્કની નોકરી માટે ઠગી રૂ. 3 લાખ લીધાં. જિલ્લા શિક્ષણ અધિકારીના નામનો લેટર પણ આપ્યો. આ શખ્સ લોકોને ખોટાં લેટરપેડ પર પાંચ વર્ષ માટે વિવિધ કામના વર્ક ઓર્ડર પણ આપતો. વાંકાનેરમાં તેની એક સ્કૂલનું નામ જયોતિ વિદ્યાલય છે અને બીજી શાળાનું નામ કિડ્ઝલેન્ડ છે. ક્રાઈમ બ્રાન્ચ કહે છે: આ શખ્સ માત્ર 3 મહિનાથી જ છેતરપિંડીઓ કરતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આ નકલી IAS ઝડપાયા પહેલાં નકલી ડેપ્યુટી કલેક્ટર, કસ્ટમ્સ અધિકારી, CBI અધિકારી, સેન્ટ્રલ એજન્સી અધિકારી, IPS, CID અધિકારી, હોમ ડીપાર્ટમેન્ટ અધિકારી, નકલી સ્કૂલ, નકલી ટોલ પ્લાઝા, PMO અધિકારી, નકલી કોર્ટ-જજ, CMO અધિકારી, ED અધિકારી, NIA અધિકારી, વહીવટી અધિકારી, FCI અધિકારી, સિરપ અને નકલી વૈજ્ઞાનિક વગેરે બે વર્ષ દરમિયાન ઝડપાયા છે. આ નકલી અધિકારીઓ ‘અસલી’ સાથે કોઈ ગોઠવણ ધરાવતાં હોય છે કે કેમ, એ વિગતો કયારેય પ્રકાશમાં આવી નથી, ટૂંકમાં, વિભાગ કોઈ પણ હોય, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો, ગુનેગારોના ‘નકલી’ કામો થતાં જ રહે છે, એ શું સૂચવે છે ?? અસલી કચેરીઓને શંકાઓ નથી જતી ? ફરિયાદો લાંબા સમય બાદ શા માટે થાય છે, ત્યાં સુધી આ બધું બંધબારણે કોની મદદથી ચાલી રહ્યું છે કે પછી આ નકલી અધિકારીઓ કોઈના માત્ર પ્યાદાં હોય છે ? અસલી ખેલાડીઓ કોઈ ઓર હોય છે ? એવી પણ શંકાઓ લોકોના મનમાં ઉઠતી રહે છે. જેના જવાબો કયારેય જાણવા મળેલ નથી.