Mysamachar.in-જામનગર:
જામનગરમાં કાલે શુક્રવારે મોડી સાંજે એક મહાજન અગ્રણીની શહેરના શંકરટેકરી વિસ્તારમાં છરીના ઘા વડે કરપીણ હત્યા થઈ હોવાનું બહાર આવ્યા બાદ, ગત્ મોડીરાત્રે મૃતકના પુત્રએ આ અંગે એક સગીર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં ‘આડા સંબંધનો વહેમ’ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ મામલાએ સંબંધિત વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે.
ગત્ મોડી સાંજે પોણાં આઠ વાગ્યા આસપાસ, શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર શંકરટેકરી, શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલાં ખોડિયાર મંદિર નજીક આ વિસ્તારના એક મહાજન અગ્રણીની છરીના ઉપરાઉપરી ઘા વડે એક શખ્સે કરપીણ હત્યા નીપજાવતા સમગ્ર શંકરટેકરી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાદમાં, મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મૃતકના પુત્રએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રહેતાં બ્રાસપાર્ટના ધંધાર્થી મહાવીર મનસુખભાઈ ખીમસીયાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, શાસ્ત્રીનગરમાં ખોડિયાર મંદિર નજીક રહેતાં એક સગીર વિરુદ્ધ છરીના ઘા વડે ફરિયાદીના પિતાને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે ફરિયાદીના પિતા મનસુખભાઈ ખીમસીયા(ઉર્ફે મનુભાઈ મેટ્રો)નું મોત થયું છે.
ફરિયાદી મહાવીર ખીમસીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા દરરોજ ખોડિયાર માતા મંદિરે દર્શન કરવા જતાં અને ત્યાં રહેતાં ભરતસિંહ જયુભા જાડેજાના ઘરે જતાં હોય, ત્યાં રહેતાં દક્ષાબા સાથે તેને (મૃતકને) આડો સંબંધ હોવાનો વહેમ રાખી, આરોપીએ પોતાની પાસેની છરી વડી ફરિયાદીના પિતા પર જીવલેણ હુમલો કરી, હત્યા નિપજાવી છે.
Mysamachar.in દ્વારા આ બનાવ અંગે તપાસનીશ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર, આરોપી અને દક્ષાબા કૌટુંબિક કાકી-ભત્રીજો છે. આરોપીને એવો વહેમ હતો કે, દક્ષાબા અને મૃતક વચ્ચે આડા સંબંધ હતાં. જ્યારે તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અને દક્ષાબાના પરિવાર વચ્ચે ઘણાં સમયથી પારિવારીક સંબંધો હતાં અને તેવા વહેમ રાખી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અમે આ કેસ અંગે વધુ તપાસ તજવીજ કરી રહ્યા છીએ.