Mysamachar.in-અમદાવાદઃ
ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલા મહા વાવાઝોડા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેમ જેમ ગુજરાત નજીક આવશે તેમ તેમ મહા વાવાઝોડું નબળું પડતું જશે. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 220 કિમી દૂર છે અને તેણે અરબી સમુદ્રમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે જ્યારે આ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં દીવ અને પોરબંદરના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ગતિ 80થી 90 કિમી પ્રતિકલાકની હશે. આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 100થી 110ની ગતિએ ત્રાટકશે. 7મી નવેમ્બરે વાવાઝોડું નબળું પડતાની સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 મીટર જેટલા જ મોજા ઉજળશે. જો કે ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વધુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પર મહા વાવાઝોડાના સંકટને ધ્યાને રાખી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લામાં ક્લેક્ટર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. NDRFની ટીમો પણ સ્ટેન્ડબાય છે તથા કેટલાક સરકારી કર્મચારીઓને આ દિવસોમાં રજા ન રાખવાની સૂચના આપી દેવાઇ છે.