Mysamchar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલમાં લાંબા સમયથી થોડાં થોડાં સમયે એવી પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે, જેને પરિણામે હજારો દર્દીઓએ તકલીફો સહન કરવી પડે છે, જેથી લોકોમાં એવી નકારાત્મક છાપ મજબૂત બની રહી છે કે, હોસ્પિટલનું તંત્ર યોગ્ય રીતે ચાલી રહ્યું નથી અને કોઈ હોસ્પિટલ સંચાલન પ્રત્યે રસ ધરાવતું નથી. વધુ એક વખત જીજી હોસ્પિટલમાં એવી સ્થિતિઓ ઉભી થઈ છે કે, ઘણાં બધાં લોકોના ઓપરેશન અટકી પડ્યા હોય, સેંકડો દર્દીઓ અતિશય વેદના અને મુશ્કેલીઓ સહન કરવા મજબૂર છે.
જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં 2 IITV મશીન બંધ છે, જેને કારણે 60 થી 70 જેટલાં દર્દીઓની હાલત છેલ્લા આઠેક દિવસથી અત્યંત કરૂણ છે, તેઓ પોતાના ઓપરેશનનો વારો ક્યારે આવશે તેનો ઈંતજાર કરી રહ્યા છે અને દર્દ તથા મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આ વિભાગમાં 2 IITV મશીનોની સ્થિતિઓ શું છે અને દર્દીઓને હાલની કપરી સ્થિતિઓમાંથી છૂટકારો ક્યારે મળશે ? આ પ્રકારના સંવેદનશીલ પ્રશ્નોના જવાબો મેળવવા Mysamachar.in દ્વારા હોસ્પિટલના તબીબી અધિક્ષકનો રૂબરૂ સંપર્ક સાધવામાં આવ્યો.
તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી જણાવે છે કે, હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં અચાનક 2 IITV મશીન બંધ થઈ ગયા છે. જે પૈકી એક મશીનની હાલત એવી છે કે, તેનું સમારકામ કયારેય શક્ય નથી. બીજું મશીન આઠ દિવસથી બંધ છે. તેને રિપેર કરવા કંપની સાથે વાતચીત ચાલી રહી છે, એકાદ બે દિવસમાં એટલે કે, આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં આ બીજું જે મશીન છે તેનું સમારકામ થઈ જશે.
ડો. દીપક તિવારીએ વધુમાં જણાવ્યું કે, જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સામાન્ય રીતે દર 24 કલાકમાં 8 થી 15 જેટલાં દર્દીઓના નાનામોટાં ઓપરેશન થતાં હોય છે. હાલમાં આઠ દિવસથી આ મશીનો બંધ હોવાને કારણે લગભગ અડધાં જેટલાં દર્દીઓના ઓપરેશન આઠેક દિવસથી થઈ શકતા નથી. પરંતુ હવે 24 કલાકની અંદર એક મશીન રિપેર થઈ જશે.
ડો. દીપક તિવારીએ મશીન સંબંધે જણાવ્યું કે, જે ઓપરેશનમાં શરીરના નાનામોટાં અંગ પર ચોક્કસ પ્રકારના ડ્રિલિંગની જરૂર હોય, કોઈ હાડકું ચોક્કસ એલાઈમેન્ટ સાથે ગોઠવવાનું હોય, વગેરે કામોમાં આ IITV મશીનનો ઉપયોગ ફરજિયાત હોય છે, જેથી હાલ આ પ્રકારના ઓપરેશનની કામગીરીઓ બંધ છે. સરકારમાં નવા મશીન માટે પણ અરજી કરવામાં આવી છે. અને, હાલમાં આ વિભાગમાં 50 ટકા જેટલાં હાડકાંના રૂટિન ઓપરેશન થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ IITV મશીનમાં એક વધારાના પાર્ટ તરીકે એક વેક્યૂમ ટ્યૂબ હોય છે, જે એકદમ તીવ્ર પ્રકાશ આપી શકે છે, જેની મદદથી નાનામાં નાના હાડકાંનું એલાઈમેન્ટ જોઈ શકાય છે, સેટ કરી શકાય છે, નાના હાડકાંમાં ડ્રિલિંગ કરવામાં પણ આ પ્રકાશ અનિવાર્ય હોય છે, આથી આ પ્રકારના ઓપરેશન હાલ થઈ શકતાં ન હોય, સેંકડો દર્દીઓ તકલીફો અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા જીજી હોસ્પિટલને કરોડો રૂપિયાના વિવિધ મશીનો અમુક અમુક સમયે આપવામાં આવે છે પરંતુ મશીનની નિભાવ તથા જાળવણીની વ્યવસ્થાઓ, જરૂરી પાર્ટની ઉપલબ્ધિ અને ટેક્નિકલ કારીગરનું જામનગરમાં આગમન વગેરે બાબતોમાં મશીનો પૂરાં પાડનાર કંપનીઓ લાલિયાવાડીઓ ચલાવે છે, મોનોપોલીનો અને મજબૂરીનો ગેરલાભ ઉઠાવતી હોય એવું વર્ષોથી ચાલી રહ્યું છે,
રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓ કંપનીઓની પાસે આટલાં લાચાર કયા કારણોસર છે ?! સરકારની આ લાચારીનો ભોગ બને છે હજારો દર્દીઓ. કે પછી, જીજી હોસ્પિટલનું મશીનોના મેન્ટેનન્સ માટેનું તંત્ર ખુદ પર્યાપ્ત પ્રમાણમાં કાર્યક્ષમ નથી, તેની પણ જરૂર પડે તો સંબંધિત સત્તાવાળાઓએ તપાસ કરવી જોઈએ એવું જાણકારોનું માનવું છે. કરોડો રૂપિયાના મશીન ટાણે કામ ન આવે તો, આ મશીનો શું માત્ર ચાંદલા કરવા માટે જ છે ?! એવા આકરાં પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યા છે.