Mysamachar.in:અમદાવાદ
સંતાનપ્રાપ્તિની ઝંખના ઘણાં દંપતીઓમાં ખૂબ જ તીવ્ર જોવા મળતી હોય છે પરંતુ જુદાંજુદાં કારણોસર તેઓ માતાપિતા બની શકતાં હોતાં નથી. જેને કારણે જામનગર સહિતના દેશભરનાં શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના દંપતિ IVF ક્લિનિકનાં ગ્રાહકો બનતાં હોય છે. આ પ્રકારના ઘણાં ધંધાદારી એકમો પોતાની આવકો પૈકીની અમુક આવકો છૂપાવતા પણ હોય છે એવું પ્રત્યક્ષ કર સતાવાળાઓનાં ધ્યાનમાં આવ્યું છે. જેને કારણે આ પ્રકારના મોંઘાદાટ બિઝનેસ એકમો પર સકંજો મજબૂત બનાવવા ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ માત્ર IVF એકમોને નિશાન નહીં બનાવે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં NRI ક્વોટામાં પણ લાખો કરોડો રૂપિયાની હેરાફેરી થતી હોય છે. ઘણી ખાનગી મેડિકલ કોલેજ આ બિઝનેસ મોટાપાયે કરતી હોય છે. આ ઉપરાંત મોંઘાદાટ ડિઝાઈનર વસ્ત્રો, ઘડિયાળોના વેપારીઓ અને વૈભવી હોટેલો વગેરે ધંધાદારી એકમો આવકો છૂપાવવામાં માહિર હોય છે. આ પ્રકારના એકમો પર આવકવેરા વિભાગની નજર છે. વિભાગ આ ક્ષેત્રોમાં કરની આવકમાં 10 ટકાનો વધારો કરવા ઈચ્છે છે. કારણ કે, આ ક્ષેત્રોમાં પણ ઘણો બિઝનેસ ઝીરોમાં થતો હોય છે. અને ઘણાં ધંધાદારી એકમો પ્રમાણમાં ઓછાં બિલ પણ બનાવતાં હોય છે. આથી આ ક્ષેત્રોમાં કરની આવકનો વ્યાપ અને આંકડો વધારવા આવકવેરા વિભાગ આતુર છે.
અત્રે નોંધનીય છે કે, જામનગર અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના નાનાં સેન્ટરોમાં પણ IVF ક્લિનિકની સંખ્યા વધી રહી છે. વૈભવી હોટેલો પણ મોટી સંખ્યામાં છે. ડિઝાઈનર વસ્ત્રો અને મોંઘીદાટ ઘડિયાળ વગેરેનું ચલણ વધ્યું છે. ઘણાં કરદાતાઓ આ પ્રકારના ખર્ચ છૂપાવતા પણ હોય છે. જેને કારણે પ્રત્યક્ષ કર બોર્ડ ઇચ્છે છે કે, આ પ્રકારના ખર્ચ અને તેને કારણે થતી આવકોને કરજાળ હેઠળ આવરી લેવા આ પ્રકારના વધુને વધુ ધંધાકીય એકમો પર વોચ આવશ્યક છે. આવકવેરા વિભાગે આ માટે વધારાનો દસ ટકાનો ટાર્ગેટ નક્કી કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.