Mysamachar.in-અમદાવાદ:
સ્ત્રી અને પુરૂષ વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચાઓનો વિષય રહ્યા છે, એમાંયે પ્રેમ, લગ્ન, એકમેકથી છૂટાં પડવું, ભરણપોષણની માંગ અને દંપતિ વચ્ચેના કાનૂની જંગ અને શારીરિક-માનસિક ત્રાસ જેવા વિષયો કાયમ ગાજતા રહે છે. એક મામલો એવો છે, પત્ની કમાય છે અને પતિ બેરોજગાર છે, પ્રેમથી શરૂ થયેલો સંબંધ લગ્ન બાદ ત્રાસ અને છૂટાછેડા તરફ જતો રહ્યો. આ મામલો છેક વડી અદાલત સુધી પહોંચી ગયો.
આ કેસની બહાર આવેલી વિગતો અનુસાર, એક મહિલા પોલીસકર્મી અને તેનો પતિ એકમેકથી અલગ રહે છે. પતિ અદાલતમાં કહે છે, મારી પત્નીને કહો, મારી સાથે રહે. પત્નીએ પતિ વિરુદ્ધ અગાઉથી જ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવેલી છે. અદાલત પતિની માંગ સંબંધે કહે છે: તમારાં બંને વચ્ચે વિશ્વાસનો અભાવ છે, સાથે રહેવાનો આદેશ અદાલત આપી શકે નહીં.
અમદાવાદની આ યુવતિએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 4 વર્ષ અગાઉ આ યુવક સાથે મિત્રતા સંબંધ બાંધેલો. પછી બંને વચ્ચે પ્રેમ થયો. બાદમાં બંનેએ લવમેરેજ કર્યા. મેરેજ પછી ઝઘડા શરૂ થયા. યુવતી પોલીસ વિભાગમાં છે. યુવક બેરોજગાર છે. ઝઘડા બાદ યુવતિએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવેલી. બંને અલગ રહે છે. પત્ની સાથે રહેવાની પતિની માંગ અદાલતે ફગાવી દીધી.
બાદમાં પતિએ અદાલતમાં એવી માંગ કરી કે, તેની પત્ની તેને વળતર પણ આપે અને દર મહિને ભરણપોષણની રકમ પણ આપે. મામલો અદાલત સમક્ષ વિચારાધીન છે, નિર્ણય હવે થશે. મિત્રતા અને પ્રેમથી શરૂ થયેલો આ સંબંધ, છૂટાછેડા અને કાનૂની જંગ તરફ ઘસડાઈ રહ્યો છે. અચરજની વાત એ છે કે, સમાજમાં બની રહેલાં અને જાહેર થતાં આ પ્રકારના બનાવો બાદ પણ, કોઈ કશો ધડો લેતાં નથી, શીખ મેળવતાં નથી. અને, આવી બબાલો થતી રહે છે.