Mysamachar.in:અમદાવાદ
ઈવ અને આદમના યુગથી માંડીને આજપર્યંત – પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો, રસપ્રદ વિષય રહ્યો છે. કુદરતનાં આ બંને અદભૂત સર્જન વચ્ચેનો સંબંધ એક ચોક્કસ મર્યાદામાં રહે. શિસ્ત અને સંસ્કારનું પાલન થાય અને સમાજમાં સતામણીની જગ્યાએ સંતુલન તથા સંસ્કૃતિની સુવાસ મહેંકે તે માટે ગુજરાતી સહિતના સમગ્ર ભારતીય સમાજમાં લગ્ન નામનાં એક સંસ્કારનો આવિર્ભાવ થયો. પરંતુ આમ છતાં, સમયનાં વહેવા સાથે આજે સમાજમાં લવ, સેક્સ ઔર ધોખા – પ્રચલિત થઈ રહ્યું છે ! જેનું પ્રમાણ પણ ચોંકાવનારું છે અને પરિણામો બિહામણાં જોવા મળી રહ્યા છે.
બેટી બચાવો ની બૂમો અને વારતાઓ વચ્ચે, સમાજમાં એક તરફ પુરુષ અને સ્ત્રીનો જન્મ ગુણોત્તર ચિંતાજનક છે. લગ્ન માટે યોગ્ય પાત્રોની સર્વત્ર અછત જોવા મળી રહી છે. બીજી બાજુ લગ્નેતર સંબંધો – જાણે કે એક ફેશન બની રહી છે ! આ પ્રકારના કિસ્સાઓમાં માત્ર પુરૂષો જ લફરાંબાજ હોય, એવું પણ નથી. સ્ત્રીઓની માનસિકતા પણ સંશોધનનો વિષય બની ગયો છે !
પાછલાં પાંચ વર્ષ દરમિયાન, મહિલા હેલ્પલાઇન 181 અભ્યમને મળેલી રજૂઆતો અને ફરિયાદોનાં આંકડા ચોંકાવનારા છે. ઘરેલુ હિંસાના કેસો સંખ્યાબંધ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. જાતીય સતામણીનાં કિસ્સાઓનો પણ કોઈ પાર નથી. અને, લગ્નેતર સંબંધોનો નોંધાયેલો આંકડો પણ આવા કિસ્સાઓમાં ત્રીજા ક્રમે છે ! ગુજરાતમાં મહિલા હેલ્પલાઇનને મળતાં કોલની સંખ્યા પાંચ વર્ષમાં અઢી ગણી વધી ગઈ છે ! જેમાં લગ્નેતર સંબંધોની સંખ્યા પણ મોટી છે. આવી ફરીયાદો પૈકીની પચાસ ટકા ફરિયાદો તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી મળી છે. આ ચાર શહેરોમાં જ પુરુષો લફરાંબાજ છે એવું નથી. આ ચાર શહેરોમાં જ સ્ત્રીઓ સ્વછંદી બની રહી છે, એવું પણ નથી.
રાજ્યમાં જામનગર સહિતના નાનાં શહેરોમાં પણ લગ્નેતર સંબંધોનો ‘મહિમા’ જાણીતો છે ! જેમાં સમાજનાં પ્રતિષ્ઠિત લોકોથી માંડીને સમાજનાં સાવ નીચલા સ્તરનાં લોકો સુધીનાં હજારો લોકોનો સમાવેશ થતો હોય છે. એક અર્થમાં, ઘણાં બધાં લોકોને મન હવે આ છોછની વાત રહી નથી. ઘણાં લોકો માટે આ વાત એક ફેશન કે દેખાદેખી પણ છે. ઘણાં લોકોનો ટેસ્ટ ચંચળ બની રહ્યો છે. આ બધી બાબતો સોશિયલ મીડિયા સહિતના કારણોથી ઉત્તેજન અને ઉત્તેજના પ્રાપ્ત કરી રહી છે. સરેરાશ માથાદીઠ આવકો પણ પ્રમાણમાં વધી છે. અને, ખાનગીમાં અથવા જાહેરમાં ‘જીવી લેવું’ એ માનસિક્તા પણ વ્યાપક બની રહી છે. આ પ્રકારના વિવિધ કારણોસર સમાજમાં લગ્નેતર સંબંધોની સંખ્યા ચોંકાવનારી બની રહી છે. અને એટલાં જ પ્રમાણમાં સામે લગ્ન નામની પરંપરા પણ ઘસાઈ રહી છે ! આ સંદર્ભમાં સમૃદ્ધ, શાંત, સંસ્કારી અને સહનશીલ લેખાતા ગુજરાતમાં આવનારાં દિવસો ‘અલગ’ પ્રકારના હશે, એટલું સ્પષ્ટ સમજાઈ રહ્યું છે !