Mysamachar.in-ગાંધીનગર:
કોરોનાની ત્રીજી લહેરમાં એકીસાથે કેટલાય કેસો રોજબરોજ આવી રહ્યા હતા, પરંતુ સદનસીબે મોતનો આંકડો ના વધતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, એવામાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડાને પગલે હાલમાં જે સ્થિતિ છે તેને જોતા ત્રીજી લહેર પૂર્ણ થવાને આરે આવી ચુકી છે. તેથી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનમાં વધારે છૂટછાટો આપી ચુકી છે. રાત્રી કર્ફ્યૂમાં પણ છુટછાટ અપાઇ છે તેવામાં સરકાર દ્વારા આજે વધુ છુટ આપવામાં આવી શકે છે. અને સૌથી મોટી છૂટ હવે માસ્કનો હાલનો દંડ રૂ.1000 થી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં પહેલી અને બીજી લહેર દરમિયાન માસ્ક મામલે સરકારે કડક ગાઈડલાઈન અને દંડની રકમ 100થી વધારી 1000 કરી દીધી હતી. જો કે ત્રીજી લહેર દરમિયાન સરકાર માસ્ક મામલે હળવી રહી હતી. જેમાં માસ્કના દંડ માટેની કડકાઈ પણ પ્રમાણમાં ઓછી રખાઇ હતી. હાલ ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર હવે માસ્કના મામલે દંડની રકમ ઘટાડવામાં આવી ચુકી છે.
ગુજરાત હાઇકોર્ટે માસ્કનો દંડ 1000 રૂપિયા રાખવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે તે સમયે કરેલો 1000નો દંડ કર્યો હતો. ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની ગાઈડલાઈનની મુદત 18 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ રહી હોવાથી નિયંત્રોનો હળવા કરવા અંગે વિચારણા થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે, લોકો પણ હવે કોરોના નિયંત્રણો અને માસ્કથી કંટાળી ચુક્યાં છે, અને મુખ્યમંત્રીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન લોકો માસ્કથી હવે કંટાળ્યા છે તેવા સંકેતો પણ આપ્યા હતા ત્યારે આજે રાજ્યની નવી એસઓપી સરકાર દ્વારા કોરોનાને લઈને જાહેર કરવામાં આવશે તેના પર સૌની નજર છે.