Mysamachar.in-ગુજરાત:
આજથી એક દોઢ વર્ષ અગાઉ લોકો એવું વિચારતા હતાં કે, મોદી સરકાર સતત ત્રીજો વિજય હાંસલ કરવા લોકસભા ચૂંટણીઓમાં તમામ તાકાતનો ઉપયોગ કરશે અને, વિપક્ષ પરિવર્તનનો નારો લઈ મેદાનમાં ઉતરશે, અને તેથી ચૂંટણીઓ અત્યંત રસાકસીભર રહેશે. પરંતુ પાછલાં છ માસમાં દેશભરમાં રાજકીય હવામાન બદલાઈ ગયું. વેરવિખેર વિપક્ષ નામશેષ થવાને આરે હોય, લોકસભાનો આ આખો મેચ જ નિરસ ભાસી રહ્યો છે, દર્શકોમાં પણ નિરાશા. ટોટલ વનસાઈડ મેચ. ખાસ કરીને ગુજરાતમાં વિપક્ષનું નામું નંખાઈ ગયું છે, છેક લોકસભા સ્તરથી ગ્રામ પંચાયત લેવલ સુધી.
ડિસેમ્બર-2022 માં રાજ્યની વિધાનસભા ચૂંટણીઓનું પરિણામ આવ્યું ત્યારે જ સ્થિતિ પલટાઈ ગઈ હતી, 156 બેઠકો કબજે કરી શાસકપક્ષે લોકસભા ચૂંટણીઓ અગાઉ જ સ્ટીમ રોલર ફેરવી દીધું. ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્ય બચ્યા હતાં અને ‘આપ’ પાસે 5 ધારાસભ્ય હતાં. ત્યારબાદ બધું જ ઝડપથી થયું. હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 14 ધારાસભ્ય રહ્યા. લોકસભા ચૂંટણીઓ અગાઉ આ સંખ્યા પણ ઘટી શકે. ‘આપ’ પાસે પણ માત્ર 4 જ MLA છે. હાલમાં જ કોંગ્રેસના અંબરિષ ડેર અને પીઢ નેતા અર્જુન મોઢવાડિયા પણ પક્ષમાંથી રાજીનામા આપી ચૂક્યા છે. હજૂ પણ વિકેટો ખડી શકે છે, ગુજરાતની તમામ 26 બેઠકો પર શાસકપક્ષના ઉમેદવારોની સામે લડશે કોણ ?
ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમજૂતી કરી છે, ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે, બાકીની 24 બેઠક માટે કોંગ્રેસ સક્ષમ ઉમેદવાર લાવશે કયાંથી ? 14 ધારાસભ્ય ધરાવતી પાર્ટી લોકસભાની 24 બેઠક માટે ઉમેદવાર કેવી રીતે ઉભા કરી શકે ? કારણ કે, પાછલાં 23 વર્ષમાં કોંગ્રેસ સંગઠનની તાકાત પણ ગુમાવી ચૂકી છે, કોંગ્રેસના મોટાભાગના બાહુબલિ નેતાઓ પાલો બદલી ચૂક્યા છે, જે બે પાંચ નેતાઓ ગુજરાત કોંગ્રેસ પાસે છે, તેઓ વિવિધ કારણોસર સક્રિય કે આક્રમક પણ નથી. અને કાર્યકર્તાઓના સ્તરે તો કોંગ્રેસ, 2017 બાદ સંપૂર્ણ વિખેરાઈ ચૂકી છે. અને, હવે જે નામશેષ બચી રહ્યા છે, તેઓ કશું જ કરી શકવાની સ્થિતિમાં ન હોય, સમગ્ર ગુજરાતમાં આ લોકસભા ચૂંટણીઓ એક નિરસ મેચ બની રહેશે અને દર્શકો પણ આવો મેચ નિહાળવાને બદલે પોપકોર્ન ખાવાનું પસંદ કરશે, કારણ કે કયાંય પણ ફોર કે સિકસની સંભાવનાઓ નથી, અને ફિલ્ડિંગ એટલી ટાઇટ છે કે, સિંગલ રનની શકયતાઓ પણ પાતળી બની ચૂકી છે. હાલની આ સ્થિતિ સક્ષમ લોકતંત્ર માટે ઈચ્છનીય નથી પરંતુ સ્થિતિ આ છે. સબળ વિપક્ષની ગેરહાજરી આગામી સમયમાં કેવી સ્થિતિ ઉભી કરશે, એ પ્રશ્નનો ઉત્તર સમય આપશે.