Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ચૂંટણીઓનો પ્રચાર તેજ બની ચૂક્યો છે કેમ કે, મતદાનના દિવસ આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં ભાજપાનો ઘોડો સતત આગળ દોડી રહ્યો છે, વિવિધ પંથકોમાં ચૂંટણીસભાઓ યોજાઈ રહી છે.અને જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે તે પ્રમાણે એક દાયકાથી સાંસદ અને હાલ ઉમેદવાર પૂનમબેનને જબ્બર આવકાર મળી રહ્યો છે, નાની દીકરીઓથી માંડીને વયોવૃદ્ધ માતાઓ સુધી સૌ કોઈ પૂનમબેનનું સ્વાગત કરી રહ્યા છે,
12-જામનગર લોકસભા મતવિસ્તારના ભાજપાના સતત ત્રીજી વખતના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમએ ધ્રોલ તાલુકાનો ચૂંટણી પ્રવાસ તાજેતરમાં જ કર્યો છે, આ પ્રવાસમાં તેઓને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. સંખ્યાબંધ ગામોના આગેવાનોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું છે.
જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ધ્રોલ તાલુકાના લતીપુર અને હમાપરમાં ઉમેદવાર પૂનમબેન માડમએ જંગી જનસભાઓ સંબોધી હતી અને વિપક્ષ કોંગ્રેસ પર આકરાં શાબ્દિક પ્રહારો કર્યા હતાં. પૂનમબેન માડમએ સભામાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને પ્રજાલક્ષી કામોમાં કોઈ જ રસ નથી, તેઓ માત્ર ચૂંટણીઓ સમયે જ લોકો વચ્ચે જાય છે.
ધ્રોલ તાલુકાના ખારવા ગામની જિલ્લા પંચાયત બેઠક હેઠળ 23 ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના આગેવાનોએ અને વિવિધ સમાજના અગ્રણીઓએ પૂનમબેન માડમનું આ તકે ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું અને એક તરફી તથા ભારે મતદાન કરવાની ખાતરી આપી હતી. આ જનસભામાં પૂનમબેન માડમએ કોંગ્રેસ પર ભારે પ્રહારો કર્યા હતાં અને વિપક્ષને આડે હાથ લીધો હતો.
ધ્રોલ, લતીપુર અને હમાપર ખાતે યોજાયેલી પૂનમબેન માડમની જનસભાઓમાં ગ્રામ્ય વિસ્તારની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આ જનસભાઓમાં પૂનમબેન માડમએ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. અને જણાવ્યું હતું કે, ભારતની આ ચૂંટણીઓ પર સમગ્ર વિશ્વની નજર છે. આ સમય નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત ત્રીજી વખત બનાવવા ઈતિહાસ રચવાનો સમય છે.
પૂનમબેન માડમએ જનસભાઓમાં વધુમાં જણાવ્યું હતું કે, વિકાસશીલ અને સુરક્ષિત રાષ્ટ્ર માટેની આ યાત્રામાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત બનાવવા સૌ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન કરે એ માટે આપ સૌને મારો આ તકે અનુરોધ છે. જામનગર જિલ્લામાંથી વધુ એક વખત કમળને દિલ્હી મોકલવા પૂનમબેન માડમએ કરેલાં અનુરોધને જનસભાઓમાં ઉપસ્થિત મેદનીએ હર્ષથી વધાવી લીધો હતો. અને સૌએ એકસૂરથી સમર્થન જાહેર કર્યું હતું.
આ જંગી જનસભામાં પૂનમબેન માડમનું અદકેરૂં સ્વાગત હમાપર ગામથી આવેલાં આહિર સમાજના અગ્રણીઓ સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ કર્યું હતું. આ તકે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, મહામંત્રી અભિષેકભાઈ પટવા, લોકસભા બેઠકના બીજેપીના પ્રભારી ભાનુભાઈ મહેતા સહિતના આગેવાનોએ સભાને સંબોધી હતી અને 10 વર્ષના વિકાસકામોને આધાર બનાવી પૂનમબેન માડમને ફરી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.
આગેવાનોએ જનસભાઓમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી તેઓ રાજકીય રોટલા શેકવા લોકોને ભડકાવવાનું કામ કરે છે. આ રાજનીતિથી લોકોને સજાગ રહેવા અપીલ કરવામાં આવી. ધ્રોલ તાલુકાના હમાપર અને લતિપુર જીલ્લા પંચાયત બેઠક ઉપર યોજાયેલ જાહેર સભામાં ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પતિ પોલુભા જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ક્રીપાલસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી બ્રીજરાજસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જયેન્દ્ર રાઘવજીભાઈ પટેલ, રસીકભાઈ ભંડેરી તથા તમામ સમાજના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉપસ્થિત રહયા હતાં.