Mysamachar.in-અમદાવાદ:
કોરોનાવાયરસના પગલે દેશભરમાં લૉકડાઉનનો અમલ ચાલી રહ્યો છે. જોકે લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને પોલીસે કેટલીક છૂટછાટો પણ આપી છે. જોકે કેટલાક ભેજાબાજ આ છૂટછાટનો દુરુપયોગ કરતા હોવાના કિસ્સા પણ લોકડાઉન દરમિયાન સામે આવી રહ્યા છે, સરકારે આવશ્યક ચીજવસ્તુની હેરફેરને મંજૂરી આપી છે. આ છૂટનો ગેરલાભ ઊઠાવી બહેરામપુરામાં સેનિટાઈઝિંગ સર્વિસ પૂરી પાડવાના બહાના હેઠળ બે વ્યક્તિ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ જતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ જવા પામી છે,
બહેરામપુરા ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલા પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ વખતે લાલ કલરના એક એક્ટિવા પર સેનિટાઈઝિંગ સર્વિસ, ગવર્મેન્ટ એપ્રુવ લખેલું કાગળ ચીપકાવી બે વ્યક્તિ આવતી હતી. પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા બંને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. પોલીસે સેનિટાઈઝિંગ સર્વિસના નામે દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓ મનોજ સોલંકી અને પ્રકાશ પરમાર પાસેથી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેશી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો છે તે અંગે પોલીસે પૂછપરછ પણ શરૂ કરી છે.