Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે, જેને પગલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ફરીથી એક સપ્તાહ પૂર્વે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જીલ્લા પંચાયતોની ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, પણ કોરોના હજુ સંપૂર્ણ ગયો નથી માટે સાવચેતી હજુ પણ જરૂરી છે, તેને ધ્યાને લઈને ચુંટણી માટે કોવીડ ગાઈડલાઈન આજે જાહેર કરવામાં આવી છે, જેને દરેક પક્ષ ઉમેદવાર સહીત તમામે અનુસરવી પડશે. તો કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂંક થશે.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જો કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું છે.
આજે જે ગાઈડલાઈન્સ જારી થઇ છે તે મુજબ ચૂંટણીમાં કાર્યરત રહેનાર દરેક વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવાનું રહેશે. સમયાંતરે હાથ સેનેટાઈઝ કરવા પડશે. તે માટે સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.ચૂંટણીમાં કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી માપવાનું રહેશે.કોવિડ ગાઈડલાઈન મુજબ ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ ડોર ટુ ડોર ઝુંબેશમાં જઈ શકશે, રોડ શોમાં દર 5 વાહન પછી કાફલો છૂટો પાડવાનો રહેશે. બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરને બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે. તો જાહેર સભામાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મેદાનો પર અગાઉથી નક્કી કરવાના રહેશે. સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત રહેશે. અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક-સોશિયલ માધ્યમથી કરવાનો રહેશે.
કોરોના સંક્રમિત ઉમેદવારોએ તેમનો પ્રચાર ઈલેક્ટ્રોનિક માધ્યમો પૂરતો મર્યાદિત રાખવાનો રહેશે. તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છૂટ આપવામાં નહિ આવે. આમ આ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન યોજાનાર ચુંટણીમાં કરવાનું રહેશે.અને તંત્ર દ્વારા આ તમામ સુચનોની અમલવારી થાય છે કે કેમ તેના પર નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં 6 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.