Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં હાઉસિંગ ક્ષેત્રમાં આ વર્ષે એક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હોમલોનની રકમનો આંકડો દર વર્ષ માફક આ વર્ષે પણ વધી ગયો છે પરંતુ પાછલાં 6 વર્ષમાં બીજી વખત એવું જોવા મળે છે કે, લોન લેનારાની સંખ્યા વધવાને બદલે ઘટી છે. આ અગાઉ 2021માં પણ આમ બન્યું હતું.
નાણાંકીય વર્ષ 2019થી અત્યાર સુધીના આંકડાઓ આ મુજબ છે. 2019માં લોન લેનારની સંખ્યા 1,85,644 અને લોનની કુલ રકમ રૂ. 21,929 કરોડ હતી. આ આંકડા વર્ષ 2024માં 6,90,005 અને રૂ. 53,590 કરોડ રહ્યા હતાં. નાણાંકીય વર્ષ 2025માં લોન લેનારની સંખ્યા 4,46,139 રહી અને લોનની રકમ રૂ. 58,399 થવા પામી છે.

સ્ટેટ લેવલ બેન્કર કમિટીએ આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ આંકડાઓ બે બાબત સૂચવે છે. કાં તો મકાનો મોંઘા થઈ રહ્યા છે અથવા લોન લેનારા મોટા મકાનો ખરીદી રહ્યા છે. ઉલ્લેખનિય એ છે કે, ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે લોન લેનાર લોકોની સંખ્યા ઘટી છે. જે એમ દર્શાવે છે કે, ઘરનું ઘર ખરીદવાની જરૂરિયાત કે ચલણને એક અર્થમાં થોડી બ્રેક લાગી છે.
છેલ્લા 6 મહિનાથી નાના મકાનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. આ મધ્યમવર્ગ ખેંચમાં છે. જેની સામે મોંઘા અને મોટા મકાનોની ખરીદી વધી છે. ટૂંકમાં લકઝુરિયસ મકાનોનું વેચાણ સારૂ થઈ રહ્યું છે. સરેરાશ વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોનના હપ્તા સામાન્ય વર્ગને હાલ પોસાઈ રહ્યા નથી. આ વર્ગની આવકમાં વધારો થયો નથી. શ્રીમંત વર્ગની આવકો અને ખર્ચ વધી રહ્યા છે. જે દર્શાવે છે, રાજ્યમાં આર્થિક અસમાનતા વધી રહી છે.(Symbolic image)
