Mysamachar.in-અમદાવાદ:
હાલના સમયમાં ઘણાં પુરૂષો અને મહિલાઓ લિવ ઇન રિલેશનશિપ ધરાવતા હોય છે, આર્થિક રીતે સ્વતંત્ર હોય એવી ઘણી મહિલાઓ પોતાની રીતે જિંદગી જિવવા આ પ્રકારનું જિવન વીતાવતી હોય છે અને ક્યારેક આ પ્રકારના સંબંધોમાં વિવાદો પણ સર્જાતા હોય છે. આવો એક મામલો તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં અદાલતે પુરૂષ વિરુદ્ધની ફરિયાદ રદ્દ કરી.
એક મહિલા અને એક પુરૂષ 2 વર્ષ જેટલો સમય લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા, ત્યારબાદ મહિલાએ એવી ફરિયાદ દાખલ કરાવી કે, આ પુરૂષે મારી સાથે બળજબરીથી શરીરસુખ માણ્યું. પુરૂષે આ ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં ધા નાંખી હતી પણ ત્યાં તે નિષ્ફળ રહેતાં તેણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે આ પુરૂષ વિરુદ્ધની મહિલાની ફરિયાદ રદ્દ કરતાં કહ્યું કે, કોઈ પણ 2 પુખ્ત વયની વ્યક્તિઓ સમજીવિચારીને લાંબો સમય સુધી એકમેક સાથે સહમતીથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હોય તેનો અર્થ એવો કરી શકાય કે, તેઓ બંને લગ્ન વિના પણ સાથે રહેવા તૈયાર છે. અને આ પ્રકારની સ્થિતિઓને કારણે ભવિષ્યમાં શું શું બની શકે તે અંગે પણ બંને વ્યક્તિઓ બધું જ જાણતી હોય છે. આ પ્રકારની સ્થિતિમાં લગ્નના ખોટા વચનનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કપલ 2 વર્ષ સુધી એક મકાન ભાડે રાખી સાથે રહ્યું. ત્યારબાદ 2023ની 19મી નવેમ્બરે આ કપલે અદાલત સમક્ષ એક સેટલમેન્ટ ડીડી પણ કર્યું કે, અમો બંને એકમેકને ચાહીએ છીએ અને સાથે રહીએ છીએ તથા ભવિષ્યમાં લગ્ન કરીશું. ત્યારબાદ પાંચમા દિવસે 23મી નવેમ્બરે આ મહિલા પુરૂષ વિરુદ્ધ બળજબરીથી શરીરસંબંધ અંગેની ફરિયાદ દાખલ કરાવે છે અને એમાં જણાવે છે કે, તેણી સાથે 18મી નવેમ્બરે આ પુરૂષે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. અદાલતે એમ પણ નોંધ્યુ કે, આ ફરિયાદમાં લગ્નનું વચન આપીને શરીરસંબંધ બાંધેલો એવો કોઈ ઉલ્લેખ પણ નથી. બંને પક્ષની તમામ દલીલો સાંભળી લીધાં બાદ સુપ્રિમ કોર્ટે આ પુરૂષ વિરુદ્ધની ફરિયાદ રદ્દ કરવા આદેશ કર્યો.
