Mysamachar.in:અમદાવાદ
ગુજરાત અને મહારાષ્ટ્રની હદે આવેલાં મહારાષ્ટ્રનાં પાલઘર અને થાણા સહિતનાં કેટલાંક જિલ્લાઓ એવાં છે જેમાં શરાબની સંખ્યાબંધ દુકાનો અને ગોડાઉન આવેલાં છે. મહારાષ્ટ્ર સરકારનાં કાયદાઓ મુજબ, આ દુકાનો અને ગોડાઉન પરવાનાધારક વેપારીઓનાં છે. પરંતુ શરાબના આ વેપારીઓને ગુજરાત પોલીસનો ત્રાસ છે – એવી રજૂઆત શરાબના વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અને આ ત્રાસ સામે રક્ષણ માગ્યું છે.
એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ રિટેઈલ લીકર વેન્ડર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કહેવાયું છે કે, મહારાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ શરાબ લઈ ગુજરાતની હદમાં પ્રવેશ કરે છે ત્યારે, તે વ્યક્તિની પૂછપરછ કરવા સાથે સાથે ગુજરાત પોલીસ દ્વારા મહારાષ્ટ્રનાં શરાબના પરવાનાધારક વેપારીઓને, આ એસોસિએશનનાં સભ્યોને પણ ત્રાસ આપવામાં આવે છે. આ ત્રાસ સામે અમોને રક્ષણ આપવામાં આવે, એવી માંગણી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થઈ છે.
કોઈ વ્યક્તિ ગેરકાનૂની રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં શરાબની હેરાફેરી કરતી ઝડપાઈ જાય ત્યારે, તે વ્યક્તિનાં નિવેદનને આધારે ગુજરાત પોલીસ મહારાષ્ટ્રના શરાબના પરવાનાધારક વેપારી વિરૂદ્ધ પણ કેસ નોંધે છે ! ગુજરાત પોલીસની આ કાર્યવાહી સામે રક્ષણ મેળવવા એસોસિએશને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. પિટિશન કહે છે : ઘણાં કિસ્સાઓમાં કોઈ જ તપાસ કર્યા વિના, ગુજરાત પોલીસ મહારાષ્ટ્રના શરાબના પરવાનાધારક વેપારીઓની ધરપકડ પણ કરી લ્યે છે.
ગુજરાત પોલીસની આ પ્રકારની કાર્યવાહીને કારણે શરાબના પરવાનાધારક વેપારીઓએ અથવા તેઓનાં કર્મચારીઓએ જામીન મેળવવા, ફરિયાદ રદ્ કરાવવા છેક ગુજરાતની અદાલતોમાં આવવું પડે છે. પરવાનાધારક વેપારીઓ કહે છે, પોલીસની આ પ્રકારની કાર્યવાહી ગેરબંધારણીય અને ગેરકાનૂની છે. બીજી બાજુ અમો વેપારીઓ પોલીસની આ કાર્યવાહીને કારણે પરેશાન થઈ રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરકારનો હાલનો કાયદો એવો છે કે આ પ્રકારના કિસ્સાઓમાં જે કાંઈ કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી માટે ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના એકસાઈઝ વિભાગનો સંપર્ક સાધવો પડે, ગુજરાત પોલીસ સીધી જ આ કાર્યવાહી ન કરી શકે, એમ એસોસિએશને આ પિટિશનમાં જણાવ્યું છે.