Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાતમાં દારૂબંધી છે છતા દારૂનો કેવો વેપલો ચાલી રહ્યો છે એ સૌકોઇ જાણે જ છે. પરંતુ હવે ગુજરાતમાં દારૂબંધી રાખવી કે હટાવી લેવી તે અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કારણ કે રાજીવ પટેલ, ડો.મિલિંદ નેને, નિહારિકા જોષી અને મલય પટેલ ઉપરાંત અન્યોએ PIL દાખલ કરી છે કે ગુજરાતમાં દારૂબંધનો કાયદો રાઈટ ટુ પ્રાઇવસી એક્ટના ભંગ સમાન છે. આ મામલે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજૂ કરી દીધા છે. જેના આધારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ માનનીય સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વ્યક્તિ રાઇટ ટુ પ્રાઇવેસીનો ઉપયોગ કરી ઘરની ચાર દિવાલોની અંદર દારૂનું સેવન કરી શકે છે. ઘરની ચાર દિવાલની અંદર વ્યક્તિને ખાનગીપણા, સમાનતાનો રહેવાની સ્વાતંત્રતાનો બંધારણીય અધિકાર રહેલો છે, ઘરની અંદર વ્યક્તિ ધારે એ ખાઇ કે પી શકે છે. તેમા રોકટોક કરી શકાય નહીં. ત્યારે PILમાં ફૂડ સેફ્ટી અને ખોરાક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જ્યારે તેના ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે એવી દલીલ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવી છે.
ગુજરાતીઓને અન્યાય ?
કોર્ટમાં ફાઈલ થયેલી તમામ છ પીઆઈએલનું ગ્રાઉન્ડ એક જ હોવાથી તેના ઉપર એક સાથે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ માટે હાઈકોર્ટમાં દલીલો હાથ ધરવામાં આવી છે. PILમાં અરજદારોનો એવો દાવો છે કે, રાજ્યનો દારૂબંધીનો કાયદો નાગરિકો વચ્ચે ભેદભાવભર્યો છે. કારણ કે, ગુજરાતમાં બહારથી આવેલા લોકો કોઈ રોકટોક વીના પરમિટ મેળવીને દારૂનું સેવન કરી શકે છે. જ્યારે ગુજરાતમાં રહેલાં લોકોને સરકાર દારૂનું સેવન કરવાથી વંચિત રાખી પરવાનગી નથી આપતી. ઉપરાંત ગમે તે સમયે પ્રાઈવેટ પ્રોપર્ટીમાં દરોડા પાડીને પોલીસ નાગરિકોના રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ કરે છે.