Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ‘દરિયા’ સાથે સંકળાયેલી વિવિધ બાબતોમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કૌભાંડો વર્ષો સુધી ધમધમતા રહે છે, છતાં કૌભાંડી તત્ત્વો કોની મીઠી નજરને કારણે બચતા રહે છે, એ પ્રશ્નનો ઉત્તર કયારેય બહાર આવતો નથી. જામનગર જિલ્લામાં વધુ એક બોટ કૌભાંડ વર્ષો બાદ હવે બહાર આવ્યું !
થોડા મહિનાઓ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક બોટ રજિસ્ટ્રેશન કૌભાંડ જાહેર થયું. જેમાં અસંખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા. એક નિવૃત સરકારી અધિકારીનું નામ પણ આરોપી તરીકે જાહેર થયું. જો કે, એ પછી આ કૌભાંડની વધુ વિગતો હજુ બહાર આવી નથી.

દરમ્યાન, જામનગર જિલ્લામાં પણ આવું જ બોટ રજિસ્ટ્રેશન કૌભાંડ હાલ જાહેર થયું. જો કે, આ કૌભાંડ થયું હતું 2017 થી 2023 દરમ્યાન, જામનગર SOG દ્વારા આ કૌભાંડ સંબંધે આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ ગત્ રોજ રવિવારે દાખલ થયા. કુલ 34 શખ્સ વિરુદ્ધ હાલ ગુનાઓ દાખલ થયા છે. આરોપીઓની સંખ્યા વધી પણ શકે છે.
2023 બાદ હાલ 2025 સુધી આ કૌભાંડ ચાલુ છે કે કેમ, તેની વિગતો, કદાચ, હવે બહાર આવશે. આ કૌભાંડ વર્ષો સુધી ધમધમતું રહ્યું ત્યારે ફીશરીઝ વિભાગ સહિતના સૌ સંબંધિત સરકારી વિભાગોને આ કૌભાંડની ગંધ શા માટે ન આવી ? એ પ્રશ્નનો જવાબ કયારેય મળશે ?

આ કૌભાંડ સંબંધે જામનગર SOGએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જેમાં કહેવાયુ છે કે, આરોપીઓએ અંગત આર્થિક લાભો માટે 2017 થી 2023 દરમ્યાન ગુનાહિત કાવતરૂં રચી જે જૂની માછીમારી બોટના રજિસ્ટ્રેશન નંબર ન હોય તેવી બોટ્સ નવી ખરીદી છે તેવું ચોપડે દેખાડી દીધું. આ માટે ખરીદબિલ પણ રેકર્ડ પર ચડાવવામાં આવ્યા. જામનગર ફીશરીઝ વિભાગ ખાતે આ બધાં કાગળોનું ઓનલાઈન સબમિશન થયું હતું. અને આ રીતે, કુલ 30 બોટના રજિસ્ટ્રેશન મેળવી લેવામાં આવ્યા ! (આ સમયે બધાં તંત્રો સૂતાં હતાં ? મોનિટરીંગ અને સર્વેલન્સની જવાબદારીઓ નિભાવવામાં આવી ન હતી ? કોની કોની કૃપાથી આ બધું ચાલતું રહ્યું ?!)

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લો અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ ધરાવે છે. દ્વારકા જિલ્લો પણ અતિ સંવેદનશીલ છે. આ પ્રકારના વિસ્તારોમાં, આ પ્રકારની ગોબાચારીઓ અત્યાર સુધી કોની બેદરકારીઓથી ચાલતી રહી ? દરિયાઈ સુરક્ષા સલામતી ચકાસણીઓ સમયે, આટલાં વર્ષો દરમ્યાન આ હકીકતો સૌના ધ્યાન બહાર શા માટે રહી ? ઓપરેશન સાગર સુરક્ષાના અત્યાર સુધીના બધાં જ અભિયાનનું પરિણામ શું ? વગેરે પ્રશ્નો દરિયાના પેટાળમાંથી ‘બહાર’ આવી ગયા !!(symbolic image)
