Mysamachar.in-જામનગર:
જામનગરના સિક્કા ગામે મુસ્લીમ યુવાનની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાના કેસમાં ગઇકાલે બે શખ્સોને આજીવન સજાનો અદાલતે હુકમ કર્યો છે, ત્યારે આજે વધુ એક હત્યા કેસને અકસ્માતમાં ખપાવવાના બનાવમાં આજીવન કેદની સજાનો વધુ એક હુકમ થયો છે. આજે આવેલા ચુકાદામાં લગ્ન બાદ પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતા પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા અને એક દિવસ એવો આવ્યો કે પતિએ પ્રેમિકાને સાથે રાખીને પત્નીનો કાંટો કાઢવા હત્યા કરી અકસ્માતમાં ખપાવવાના નાખવાના ચકચારી કેસમાં જામનગરની અદાલતે આજે મહત્વનો ચુકાદો આપીને પતિ અને તેની પ્રેમિકાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે,
આ ચર્ચાસ્પદ કેસની વિગત એવી છે કે, જામનગરના ગોકુલનગરમાં રહેતા જયેશ રાવલીયાના લગ્ન નયનાબેન સાથે થયા હતા. પરંતુ આ લગ્નગાળા દરમિયાન જયેશને પડોશમાં જ રહેતી સોનલ ભંડેરી સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર મળતા હોવાની જાણ પત્ની નયનાબેનને થતા બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. તેવામાં જયેશ અને સોનલ પ્રેમપ્રકરણમાં વધુ પડતા આગળ વધી ગયા હોવાથી નયનાબેન નડવા લાગ્યા હતા. આથી બંને હત્યાનો પ્લાન ઘડીને જયેશ અને સોનલએ નયનાબેનની ઘરે જ બાથરૂમમાં ગળેટૂંપો આપી હત્યા અંજામ આપ્યો હતો.
ત્યારબાદ જયેશના પિતા કરસનભાઈએ પોલીસમાં તેમના પુત્રવધુ અકસ્માતે બાથરૂમમાં પડી જવાથી મરણ થયેલ હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ મરણ જનાર નયનાબેનના પિતા ભીખાભાઈ બેરાએ પોતાની પુત્રીની જમાઈ જયેશ અને તેની પ્રેમિકા સોનલએ હત્યા નીપજાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી,
જામનગરમાં ત્રણ વર્ષ પહેલા બનેલા ચકચારી હત્યા કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાની દલીલોના આધારે અને અને મેડિકલ પુરાવામાં પણ નયનાબેનનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હોવા સહિત નેચરલ વિટનેસ વગેરેના પુરાવા ધ્યાનમા રાખીને અદાલતે જયેશ અને તેની પ્રેમિકા સોનલને આજીવન કેદની સજાનો આજે ચુકાદો આપ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.