Mysamachar.in:ગાંધીનગર
સામાન્ય રીતે કોઈ પણ નાગરિક કે સંસ્થાઓ અથવા સંગઠનોને સરકારી વિભાગોમાં થતાં વિલંબ વગેરેની અનેક ફરિયાદો હોય છે. ત્યારે અને વારંવાર રજૂઆતો છતાં સરકારી કામો ન થતાં હોય ત્યારે, નાગરિકો અને સંસ્થાઓ પોતાના મતવિસ્તારમાં સાંસદ અથવા ધારાસભ્યોને રજૂઆત કરતાં હોય છે. આ ઘટનાક્રમમાં સાંસદો અને ધારાસભ્યો લોકો અને સંગઠનોની રજૂઆતોને આધારે સંબંધિત સરકારી વિભાગોને જરૂરી પત્રો મોકલતાં હોય છે. જેમાં કામો અંગે સૂચનો, ભલામણો અને માર્ગદર્શન તથા અપેક્ષાઓ હોય છે. પરંતુ સરકારી વિભાગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં આવા પત્રો દિવસો સુધી એમ જ પડયા રહેતાં હોય છે ! અધિકારીઓ આ પ્રકારના પત્રોને ગંભીર લેખતા નથી ! જેને કારણે લોકોનાં કામો ટલ્લે ચડે છે. અને લોકોને આ કામો અંગે જવાબો આપવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે માથાનો દુઃખાવો સાબિત થતાં હોય છે.
આ પ્રકારની સ્થિતિને કારણે રાજ્યભરમાં સાંસદો અને ધારાસભ્યો નારાજ છે. સાંસદો અને ધારાસભ્યોએ આ મુદ્દે પક્ષમાં પ્રદેશ કક્ષાએ તથા સરકારમાં ઉચ્ચ કક્ષાએ નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. અને સાંસદો તથા ધારાસભ્યોની આ નારાજગીને કારણે સરકાર સફાળી જાગી છે. સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે આ મુદ્દે સંબંધિત વિભાગોને સૂચના આપતાં પત્રમાં જણાવ્યું છે કે, સાંસદો અને ધારાસભ્યોએ લખેલાં પત્રોને પાંચ દિવસમાં જવાબ આપવામાં આવે. આ પત્રો મુજબનાં કામોમાં ઝડપ લાવવામાં આવે.
અત્રે નોંધનીય છે કે, સામાન્ય વહીવટ વિભાગે પ્રથમ વખત સરકારી વિભાગોને આ ટકોર નથી કરી ! આ અગાઉ પણ સરકારી વિભાગોને આ પ્રકારની ટકોર કરવી પડી હતી ! આમ છતાં વિવિધ સરકારી વિભાગો સાંસદો અને ધારાસભ્યોએ લખેલાં પત્રોને પણ ગંભીર લેખતા નથી ! (કલ્પના કરો, સામાન્ય નાગરિકોના પત્રોની સરકારી વિભાગોમાં શું હાલત થતી હશે ?!).