Mysamachar.in-જામનગર
સોયાબીનને આજકાલ સૂપરફૂડ માનવામાં આવે છે. સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાને કારણે તે વધારે પોષણયુક્ત હોય છે. પ્રોટીનની સાથે તેમાં વિટામીન, ખનીજ, વિટામીન ‘બી’ કોમ્પલેક્ષ અને વિટામીન ‘ઈ’ વધુ પ્રમાણમાં હોય છે. જે શરીર નિર્માણ માટે એમિનો એસિડ પુરું પાડે છે, ભારત સહિતના એશિયાના દેશોમાં સોયાબીન હજારો વર્ષોથી ખાવામાં આવે છે. અલબત્ત પશ્વિમી દેશોની વાત કરીએ તો ત્યાં સોયાબીન ખાવાનું ચલણ 60 વર્ષ જેટલું જૂનું છે. આજની તારીખમાં પશ્વિમીના દેશોમાં સુપરમાર્કેટમાં સોયાબીનના ઉત્પાદનોથી ભરેલાં હોય છે.
સોયા મિલ્ક, સોયા બર્ગર, સોયા સોસ અને ફૂડ જેવા ઉત્પાદનની બજારમાં ખૂબ માંગ છે. સોયાબીનને પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. આ કારણથી દેશમાં આજકાલ પશ્વિમ બંગાળના લોકો સોયાબીનને ઉત્પાદનને સ્ત્રોત બનાવ્યો છે. કેમ કે તેમાં ચરબીનું પ્રણામ ઓછું હોય છે. સોયાબીનમાં જરુરી તત્વો મળતા હોવાથી તેનો ખાવામાં સારો એવો ઉપયોગ થતો જોવા મળે છે.
સોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ વગેરે જેવી અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. સોયાબીનના ખોરાકમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. ઘણીવાર લાલ માંસના વિકલ્પ તરીકે ખાવામાં આવે છે. કારણ કે લાલ માંસ હાર્ટ રોગો અને કેન્સરનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. જેથી ઘણાં શાકાહારી લોકો તેના કારણે સોયાબીન ખાય છે. તેના સ્વાદમાં થોડી કડવાશ હોવાથી તેની વાનીઓ એકલી ખાવા કરતાં ચણા, ઘઉં, મકાઈ, જુવાર કે ચોખાના લોટમાં ચોથા ભાગમાં નાખી ખાય શકાય છે.
ચીનમાં તેની ભીંજવેલી દાળની ખીચડી રાંધી ખવાય છે. આખા બીજને ભીંજવી ફણગા ફૂટે ત્યારે કાઢી ધોઈ સાફ કરી ફણગા સહિત થોડાં થોડાં જરા નમક સાથે ખાવાથી શરીર ખૂબ પુષ્ટ બને છે. ફણગાવેલા બીજનું શાક બનાવાય છે. સોયાબીનને વાટી રસ કાઢી બાળકોને પાવાથી દૂધ જેટલું પૌષ્ટિક કામ કરે છે. તેમાં સ્ટાર્ચ ઓછો હોવાથી મધુપ્રમેહને માટે તે સર્વોત્તમ ખોરાક છે. ખનીજ ક્ષારો વધુ હોવાથી મગજના જ્ઞાનતંતુના રોગમાં ફાયદાકારક છે.
સોયાબીનમાંથી બળતણ પણ બનાવાય છે. સોયાબીનનું તેલ દેશી સંચાકામમાં ઊંજવાના તેલ તરીકે વપરાય છે. સોયાબીનનું તેલ કાઢયા પછી વધેલો ખોળ ઢોરના ખોરાક અથવા ખેતીમાં ખાતર તરીકે ઉપયોગી છે. દીવાબત્તીમાં ઘાસતેલની જગ્યાએ આ તેલ વાપરી શકાય છે. તે વોટરપ્રૂફ કપડું બનાવવામાં, કાગળની છત્રી, ફાનસ, વાર્નિશ અને છાપવાની શાહી બનાવવામાં ઉપયોગી છે.સોયાબીનને ખાવાનો ફાયદો એ પણ છે કે તેમાં ઓછી ચરબી એટલે કે સંતૃપ્ત ચરબી હોય છે.
તેથી તે નુકશાન પણ ઓછું કરે છે. સોયાબીન વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. તેનો જો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરમાં નુકસાન થાય છે. સોયાબીનને લોકો અલગ અલગ બનાવટોથી આરોગતા હોય છે. પરંતુ સોયાબીન કેવી રીતે લેવામાં આવે છે તેનાથી પણ વધારે ફર્ક પડે છે. જેમાં અનુકૂળ હોય તે બનાવટને લઈ શરીરને સરસ રીતે સંતુલિત કરાય છે.