Mysamachar.in-ગાંધીનગર:
આજે 19 ફેબ્રુઆરીથી રાજ્યના બજેટસત્રનો આરંભ થઈ ચૂક્યો છે. આજે રાજ્યપાલનું સંબોધન અને શોક પ્રસ્તાવ સહિતની બાબતો હાથ ધરવામાં આવી. ત્યારબાદ આવતીકાલે 20 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર રજૂ કરશે. આ બજેટસત્ર દરમ્યાન સરકાર કુલ 4 વિધેયક લાવશે એમ અત્યારના સમયપત્રક મુજબ જાણવા મળે છે.
રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ આ સત્રમાં કુલ 4 વિધેયક- ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હોસ્પિટલોનું નિયમન અને રજિસ્ટ્રેશન, રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવાનો મામલો, GST સુધારા બિલ અને ગુજરાત પ્રોફેશનલ એન્જિનિયર વ્યવસ્થા રદ્દ કરવા માટેનું વિધેયક રજૂ થનાર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલનો ખ્યાતિકાંડ જાહેર થયો પછી, સરકારે હવે હોસ્પિટલ સહિતના આરોગ્ય એકમોની નોંધણી માટેની ગતિવિધિઓ શરૂ કરી છે. આ માટે આખરી તારીખ 12 માર્ચ છે, હજુ જો કે હજારો આરોગ્ય એકમોએ નોંધણી કરાવી નથી. કદાચ એવું પણ બને કે, નોંધણી માટેની આ મુદ્દત લંબાવવામાં આવે. સરકાર આવા એકમોને કામચલાઉ રજિસ્ટ્રેશન આપવાના વિકલ્પ અંગે પણ વિચારી રહી હોવાનું સૂત્ર જણાવે છે.
હોસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે જિલ્લામથકોએ સતામંડળની રચના થશે, એમ પણ કહેવાય છે. આથી સતાનું વિકેન્દ્રીકરણ કરી શકાશે. સ્થાનિક કક્ષાએ પ્રશ્નો ઉકેલી શકાશે. રજિસ્ટ્રેશનની નામંજૂરી અંગે રાજ્ય કાઉન્સિલને અપીલ કરી શકાશે, એવી પણ જોગવાઈ એક્ટમાં આવશે.
