Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સમગ્ર દેશમાં ઘડી ડીટરજન્ટના નામે જાણીતી, અબજો રૂપિયાનો કારોબાર ધરાવતી અને દેવભૂમિ દ્વારકા તથા જામનગર પંથકમાં RSPL કંપની તરીકે પ્રખ્યાત કુરંગાની આ કંપની પ્રદૂષણ મુદ્દે લાંબા સમય બાદ હવે બરાબર ફિક્સમાં મૂકાઈ છે કેમ કે, રાજ્યની વડી અદાલતે આ કંપની વિરુદ્ધ કઠોર કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, RSPL કંપની પોતાના દ્વારા છોડવામાં આવતાં પ્રદૂષણ મુદ્દે લાંબા સમયથી કોઈને ગાંઠતી નથી, આ કંપનીનું મેનેજમેન્ટ અત્યાર સુધી આ મામલે હવામાં વિહાર કરતું હતું, હવે કંપની આ મુદ્દે જમીન પર પછડાઈ છે કેમ કે હાઈકોર્ટે કંપની તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ આકરું વલણ અખત્યાર કર્યું છે. અને GPCB ના ચેરમેનને આદેશ કરવામાં આવ્યો છે કે, કંપની દ્વારા ખેતીની જમીનમાં જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તે સ્થળની મુલાકાત લ્યો, તપાસ કરો અને કંપની સામે સોગંદનામું દાખલ કરો.
વડી અદાલત સાથે સંકળાયેલા સૂત્ર કહે છે: વડી અદાલતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પૂછયું છે કે, પાછલાં પાંચ મહિનાથી કંપની વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહીઓ શા માટે કરવામાં આવી નથી.?! કંપની ખેડૂતની જમીનમાં નુકસાનકારક રસાયણ ઠાલવે છે. ત્યાંથી સેમ્પલ લ્યો, લેબોરેટરીમાં મોકલો, રિપોર્ટ મેળવો અને આ મુદ્દે વડી અદાલતમાં એફિડેવિટ ફાઇલ કરો. હાઈકોર્ટે કંપનીને પણ આકરી ચેતવણી આપતાં કહ્યું છે કે, અદાલતે પ્રદૂષણ મામલે જે કાર્યવાહીઓ કરવાનો તંત્રને આદેશ આપ્યો છે તે કામગીરીઓમાં કંપનીએ સહયોગ આપવાનો રહેશે અને કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો કરવામાં ન આવે, જો કંપની આવું કાંઈ કરશે તો અદાલત તેની ગંભીર નોંધ લેશે, એમ પણ વડી અદાલતે કંપનીને કહ્યું છે. ટૂંકમાં, કંપની વિરુદ્ધનો કાનૂની ગાળિયો હવે મજબૂત બની ગયો છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના સૂત્ર કહે છે: કચેરીએ નજીકના ભૂતકાળમાં ખેતીની જમીનમાં કંપની દ્વારા થતાં પ્રદૂષણ મુદ્દે કંપનીને નોટિસ ફટકારેલી છે જ અને કંપનીને કચેરીએ એવો નિર્દેશ પણ આપ્યો હતો કે, જે ખેડૂતની જમીનને કંપનીના પ્રદૂષણથી નુકસાન થઈ રહ્યું છે, તે ખેડૂતને કંપનીએ અન્ય જગ્યા પર આ જ કિંમતની ખેતીની જમીન આપવી જોઈએ. જો કે કંપનીએ આ સૂચનાનું પાલન કર્યું નહીં, તેથી જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીએ આ મુદ્દે બોર્ડની ગાંધીનગર કચેરીને કંપની વિરુદ્ધ રિપોર્ટ કરેલો છે (અચરજની વાત એ છે કે, જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અત્યાર સુધી કંપની વિરુદ્ધની આ કાર્યવાહીઓ ફાઈલમાં સંઘરી રાખવામાં આવી હતી, આ વિગતો મીડિયાકર્મીઓ મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવી ન હતી).
હાઈકોર્ટ સાથે સંકળાયેલા સૂત્ર કહે છે: કંપનીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે રૂપિયા 4,000 કરોડના ખર્ચે નવો સોડાએશ પ્લાન્ટ બનાવ્યો છે. બાલુભા પબુભા કેર નામના ખેડૂતની ખેતીની જમીન આ પ્લાન્ટ પાસે છે. આ ખેડૂતે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ કરેલી અરજીમાં કહ્યું છે કે, કંપની ખેતીની આ જમીનમાં રસાયણો છોડે છે અને પ્રદૂષિત હવા છોડે છે. આ અરજદારના વકીલે અદાલત સમક્ષ કહ્યું કે, કંપનીના આ એકધારા પ્રદૂષણને કારણે તેના અસીલની ખેતીની આ જમીન બરબાદ થઈ ચૂકી છે.
કંપનીના એડવોકેટે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, આ ખેડૂતે અહીં ખેતીની જમીન ખરીદી તે અગાઉ કંપની આ જમીનનો કબજો ધરાવતી હતી. આ ખેડૂત પોતાની આ ખેતીની જમીન કંપનીને પરત વેચવા ઈચ્છે છે. ખેડૂતનો ઈરાદો સારો નથી. આ અગાઉ તેણે બે વખત અદાલતમાં પિટિશન ફાઇલ કરી હતી, જે રદ્દ થઈ ચૂકી છે.
હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ કેસમાં કહ્યું: જો કંપની પ્રદૂષણ મુદ્દે ફોલ્ટમાં છે એવું સાબિત થશે તો, ખેડૂતનો ઈરાદો સારો છે કે નહીં, તે મુદ્દો મહત્વનો નથી. ઉદ્યોગ આ રીતે ચલાવી શકાય નહીં. કોઈ ઉદ્યોગ ચલાવી શકે પરંતુ પોતાના ઉદ્યોગનું પાણી અન્યની જમીનમાં છોડી શકે નહીં. ઉપરોકત ઓર્ડર પાસ કરતી વખતે મુખ્ય ન્યાયમૂર્તિ આમ બોલ્યા હતાં.