Mysamachar.in-અમદાવાદ:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ઘડી ડીટરજન્ટ કંપની એક ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશનને જે જમીન આપવામાં આવી છે, તે પ્રક્રિયામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અદાલતના આદેશની અવમાનના થઈ છે. આ મામલો રાજ્યની વડી અદાલતમાં ચાલી રહ્યો છે. જે અનુસંધાને વડી અદાલતે હુકમ કર્યો છે કે, રાજ્યમાં આવેલી તમામ વોટરબોડીના મેપિંગમાં જીઓ મેપિંગ કરાવવું જોઈએ અને આ સમગ્ર રિપોર્ટ સરકારે વડી અદાલત સમક્ષ મૂકવાનો રહેશે.
વડી અદાલતે સરકાર, મહેસૂલ વિભાગ અને વનવિભાગને આ આદેશ આપ્યો છે. અદાલતે એમ પણ કહ્યું છે કે, ધારો કે કોઈ વોટરબોડી વનવિભાગના રેકર્ડ પર ન હોય તો પણ તેનું જીઓ મેપિંગ કરવાનું રહેશે. ટૂંકમાં, રાજ્યમાં આવેલી તમામ વોટરબોડીનું મેપિંગ કરી, સંપૂર્ણ રિપોર્ટ અદાલતને આપવાનો રહેશે.
દ્વારકાના કુરંગામાં ઘડી ડીટરજન્ટ કંપનીના RSPL વેલફેર ફાઉન્ડેશનને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જમીન ફાળવવામાં આવી છે. લાખાભા માણેક નામના એક સ્થાનિકે વડી અદાલતમાં એવો દાવો કર્યો છે કે, આ જમીન નજીકની એક વોટરબોડીનો હિસ્સો છે. અને, આ જમીન કંપનીના આ ફાઉન્ડેશનને આપવાનો નિર્ણય લેતી વખતે અદાલતના અગાઉના એક આદેશનું પાલન થયું નથી.
વડી અદાલતે કહ્યું છે કે, રાજ્યની તમામ વોટરબોડીની હકીકતો જાણવા માટે ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટીટયૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટીકસ (Bisag-N)ની મદદથી મેપિંગ કરી તેનો સંપૂર્ણ રિપોર્ટ અદાલત સમક્ષ મૂકવામાં આવે. અદાલતે એમ પણ કહ્યું કે, વોટરબોડીના દબાણોથી ઈકો સિસ્ટમ તો જોખમાય છે જ, જેતે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગત્ ઓગસ્ટ માસ દરમિયાન અદાલતે આ મેપિંગનો આદેશ સ્થાનિક કલેકટરો અને વનવિભાગને આપેલો. તેમાં હવે આ જીઓ મેપિંગનો મુદ્દો ઉમેરાયો છે. કેમ કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત વનવિભાગની જમીનો પર આવેલી તથા અભ્યારણ્ય વિસ્તારોમાં આવેલી વોટરબોડીની જમીનોમાં દબાણ જાણીતી બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 23 વર્ષ અગાઉનો સરકારનો ખુદનો વોટરબોડી સંરક્ષણ અંગેનો ઠરાવ છે જ, પણ તેનું ભાગ્યે જ કોઈ કિસ્સામાં પાલન થતું હોય છે.(ફાઈલ તસ્વીર)