Mysamachar.in-અમદાવાદ:
મિલ્કત ખરીદી રહ્યા છો ? તમે પાન-આધાર લિંક કરાવેલ હોય પરંતુ તમે જે મિલ્કત ખરીદવા જઈ રહ્યા છો, એ મિલ્કત વેચનારે પાન-આધાર લિંક કરાવેલ છે કે કેમ ? તે પણ તમારે જાણવું જરૂરી છે. જો તમે આ જાણકારી નહીં રાખો તો, તમારે એ મિલ્કત ખરીદતી વખતે 1 ટકાને બદલે 20 ટકા TDS ભરવો પડી શકે છે.
ઈન્કમટેક્સ એક્ટની જોગવાઈ મુજબ, રૂ. 50 લાખ કે તેથી વધુ કિંમતની મિલ્કતની ખરીદી વખતે ખરીદદારે ખરીદકિંમતની 1 ટકા રકમ કેન્દ્ર સરકારને ચૂકવવી પડે છે અને બાકીની 99 ટકા રકમ મિલ્કત વેચનારને આપવાની રહે છે, ટૂંકમાં ખરીદદારે સરકાર વતી 1 ટકા TDS કાપી સરકારમાં જમા કરાવવાનો રહે છે. બાદમાં મિલ્કત વેચનાર આ 1 ટકો TDS પોતાના એકાઉન્ટમાં ટેક્સ ક્રેડિટ તરીકે પરત મેળવી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે થોડા મહિનાઓ પૂર્વે દેશવાસીઓ માટે પાન-આધાર લિંક ફરજિયાત બનાવ્યું હતું. તેની સમયમર્યાદા પૂર્ણ થયાના આશરે 6 મહિના પછી હવે આવકવેરાતંત્રએ 50 લાખ કે તેથી વધુની મિલ્કત ખરીદનાર લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. તેઓને નોટિસમાં કહેવાયું છે કે, તમારે મિલ્કત ખરીદીની રકમ પર 20 ટકા TDS ચૂકવવાનો થાય છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ કહે છે: દેશભરમાં આવી મિલ્કત ખરીદનારાઓને આ નોટિસ મોકલવામાં આવી છે, જે કેસમાં મિલ્કત વેચનારે પાન-આધાર લિંક ન કરાવેલ હોય. ઘણાં બધાં કેસોમાં મિલ્કત વેચનારના પાનકાર્ડ હાલ એક્ટિવ નથી કેમ કે જે તે સમયે તેઓએ પાન-આધાર લિંક કરાવ્યા ન હતાં. તેથી આ મિલ્કતો ખરીદનાર લોકોને નોટિસ આપવામાં આવી છે.
ગુજરાત ચેમ્બરના ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન કહે છે: આવા ઘણાં બધાં કેસમાં મિલ્કત ખરીદનારાઓની TDSની જવાબદારી રૂપિયા 50,000 થી વધીને સીધી રૂ. 10,00,000 થઈ ગઈ છે. (50 લાખની મિલ્કત ખરીદનારના કેસમાં). તેઓએ કહ્યું: અમો આ મામલો દિલ્હીમાં CBDT સમક્ષ લઈ જશું અને જરૂરી ફેરફારની માંગ કરીશું. એક અંદાજ એવો છે કે, પાન-આધાર લિંક ન કરાવાતા CBDTએ 11.5 કરોડ પાનકાર્ડ ડિએકટિવેટ કર્યા છે.
કેટલાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ કહે છે, પાન-આધાર લિંક હોય તેવા પણ સંખ્યાબંધ કેસોમાં આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક દલાલો, રિઅલ એસ્ટેટ પ્રોફેશનલ અને કોન્ટ્રાક્ટરોને પણ આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાંક ભાડૂઆતોને પણ આ નોટિસ આપવામાં આવી છે જેઓએ વાર્ષિક રૂ. 2.4 લાખથી વધુ ભાડાની રકમ ચૂકવી છે અને તે મકાનમાલિકે જો પાન-આધાર લિંક ન કરાવેલ હોય. આ પ્રકારના ભાડૂઆતોએ 10 ટકા TDS કાપવાનો હોય છે, નોટિસને કારણે આ ભાડૂઆતોએ 20 ટકા TDS ભરવાનો થાય છે.