Mysamachar.in-ગાંધીનગર:
સરકાર અને શાસકપક્ષ એક તરફ લોકસભા ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે, બરાબર એ જ સમયે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ દ્વારા ગત્ 14મીથી સરકાર વિરુદ્ધ આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે 23મીએ બપોરે પાટનગર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હજારો સરકારી કર્મચારીઓએ જબરદસ્ત દેખાવો યોજ્યા જેમાં જામનગર જિલ્લાના અગ્રણીઓ પણ જોડાયા હતાં.
અત્રે નોંધનીય છે કે, હજારો સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગોના અનુસંધાને 14મી ફેબ્રુઆરીથી આંદોલન ચલાવી રહ્યા છે, તેઓએ સરકારને અગાઉથી આ આંદોલનની જાણ પણ કરી હતી અને 14 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમય પણ વિચારણાઓ માટે આપ્યો હતો. આમ છતાં સરકાર દ્વારા આ કર્મચારીઓની માંગ સંબંધે કોઈ પહેલ ન થતાં, હજારો સરકારી કર્મચારીઓએ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે બપોરે પાટનગર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવોનો આરંભ કર્યો હતો, જેમાં રાજ્યભરના અંદાજે 5 થી 6 હજાર જેટલાં કર્મચારી અગ્રણીઓ જોડાયા છે. આ દેખાવોમાં જામનગરના અગ્રણીઓ દિગ્વિજયસિંહ જાડેજા, સેજપાલ શ્રીરામ, રાકેશસિંહ જાડેજા, ભાવિન દવે, મિતરાજસિંહ ગોહિલ, વિજયસિંહ સિંધવ તથા અન્ય વહીવટી અને હિસાબી કેડરના અગ્રણીઓ તથા તલાટી અને આરોગ્ય કર્મીઓ વગેરે જોડાયા છે.
ગત્ 14-15 ફેબ્રુઆરીએ આ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજો બજાવી હતી, 16મીએ કાળા વસ્ત્રો ધારણ કરી કામ પર આવ્યા હતાં, મુખ્યમંત્રીને ટપાલો પણ મોકલાવી હતી, ત્યારબાદ આજે પાટનગરમાં દેખાવો કર્યા. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અગાઉ સરકારે આ કર્મચારીઓ સાથે એક વખત સમાધાન પણ કરેલું, સરકારે કેટલીક માંગો સ્વીકારી પણ હતી, ખાતરી પણ આપી હતી, પછી જો કે સરકાર આ સમાધાન મુદ્દે પાણીમાં બેસી ગઈ હતી તેથી હજારો કર્મચારીઓ નારાજ થયા અને જૂની પેન્શન સ્કીમનો સ્વીકાર તથા ફિક્સ પગાર નોકરીઓ બંધ સહિતની માંગો સાથે ફરીથી આંદોલન કરી રહ્યા છે, જો કે સરકાર પ્રતિભાવ આપતી નથી.