Mysamachar.in:ગાંધીનગર
એક રિપોર્ટ જણાવે છે કે, મુખ્યમંત્રીએ એક વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થા એવી છે કે, રાજયમાં તાલુકા લેવલે તથા જિલ્લાકક્ષાએ નેતાઓ (સાંસદ, ધારાસભ્યો, પંચાયત આગેવાનો તથા પક્ષનાં નેતાઓ) જયારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ પાસે જાય છે ત્યારે, અધિકારીઓ સાથે કેવી ભાષામાં વાત કરે છે ? અધિકારીઓ પાસે કયા કયા કામોને લઈને જાય છે ? તે કામોમાં લોકોનાં કામો કેટલાં હોય છે ?! વગેરે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે ! અને આ તમામ વિગતો સીધી જ CMને આપવામાં આવે છે.
તાલુકા કક્ષાએથી અધિકારીઓ આ વિગતો જિલ્લાકક્ષાએ અધિકારીઓને આપે છે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ અધિકારીઓ પોતાના તાબાની કચેરીઓમાંથી વિગતો મેળવે છે અને પોતાની કચેરીઓ ખાતે શું શું બને છે, તે બધી જ વિગતો CMને પહોંચાડવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થાને લીધે આખાં રાજયની તમામ વિગતો સરકાર એટલે કે મુખ્યમંત્રી સુધી પહોંચી રહી હોવાનું જાણવા મળે છે. જો કે કેટલાંક અધિકારીઓ અમુક વિગતો CMને પણ આપતાં નહીં હોય, એમ પણ સૂત્ર જણાવે છે ! કારણ કે, તાલુકાઓ તથા જિલ્લાકક્ષાએ કેટલાંક સમીકરણો અને કેટલુંક ગણિત પણ કામ કરી જતું હોય છે !
અમુક અધિકારીઓ કહે છે ગુપ્ત રિપોર્ટની આ વ્યવસ્થા કેટલાંક ચૂંટાયેલા લોકોનાં ધ્યાનમાં આવી જતાં ઘણાંની બોલચાલમાં ફેરફાર આવ્યો છે. તેઓ નરમ બની રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં એ વાત જાહેર થઈ હતી કે અધિકારીઓએ ચૂંટાયેલા લોકોનાં ફોન રિસિવ કરવા પડશે. ત્યારબાદ, આ નવો વિષય બહાર આવ્યો છે. આ આખા મામલામાં મહત્વનો મુદો એ છે કે, ચૂંટાયેલા નેતાઓ અને શાસકપક્ષનાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની આ પ્રકારની સંવેદનશીલ વિગતો ઉપર પહોંચી રહી છે. અધિકારીઓ આ વિગતો નિયમિત રીતે ઉપર મોકલી રહ્યા છે. આ વિગતોનો સરકાર તથા પક્ષ લેવલે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, એમ સૂત્રો ઉમેરે છે.