Mysamachar.in-અમદાવાદ:
હાલમાં કોઈ પણ વકીલ આસાનીથી નોટરી બની શકે છે અને તેઓના વકીલ તરીકેની પ્રેક્ટિસના સર્ટિફિકેટનું કયાંય વેરિફિકેશન પણ થતું નથી પરંતુ આગામી સમયમાં વકીલોને નોટરીનો દરજજો પ્રાપ્ત કરવા કોઠાઓ ભેદવા પડશે કેમ કે આ નોટરી એકટમાં સુધારાઓ લાવવા માટે સંસદમાં સરકારે તૈયારીઓ કરી લીધી હોવાનું આધારભૂત સૂત્ર કહે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જે પુરુષ વકીલે વકીલ તરીકે 10 વર્ષ પ્રેક્ટિસ કરી હોય, અથવા જે મહિલા વકીલે 7 વર્ષ પ્રેક્ટિસ કરી હોય અને આ બંને કેટેગરીમાં તેઓ ઓછામાં ઓછાં 100 કેસ લડ્યા હોય, તેઓ જ હવે નોટરી બનવા માટેની પરીક્ષા આપી શકશે.
આ ઉપરાંત સૂત્ર કહે છે: પુરુષ અથવા મહિલા વકીલે 100 માર્કની આ પરીક્ષામાં ઓછામાં ઓછાં 50 માર્કસ પણ પ્રાપ્ત કરવા પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં કિસ્સાઓમાં એવી રજૂઆત અને ફરિયાદો પણ થતી હોય છે કે, નોટરી દ્વારા વધુ ફી વસૂલવા સહિતની ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે, આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા સંબંધે પણ નોટરી એકટમાં સુધારાઓ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં સાંસદોની ભલામણોના આધારે વકીલોને નોટરી તરીકેનો દરજજો આપી દેવામાં આવે છે અને વકીલોના વકીલાત અંગેના સર્ટિફિકેટનું કયાંય, કોઈ રીતે વેરિફિકેશન પણ થતું નથી. કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયે આ સુધારાઓ કરતાં અગાઉ દેશભરના સંબંધિતો સાથે બેઠકો કરી, સૂચનો પણ એકત્ર કર્યા હતાં. પછી આ સુધારાઓ કરવામાં આવ્યા છે, ગુજરાતમાંથી પણ આ અંગે સૂચનો થયા હતાં. જે પૈકી કેટલાંક સૂચનો આ સુધારાઓમાં સ્વીકારવામાં આવ્યા હોય, એમ પણ જોવા મળી રહ્યું હોવાનું સૂત્ર જણાવે છે.