Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત રાજ્યભરમાં મહા વાવાઝોડું આવવાની આગાહીને પગલે તંત્ર તથા લોકો સતર્ક બન્યા હતા, જો કે આ દરમિયાન હવામાન ખાતાનું કહેવું છે કે મહા વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે. અગાઉ આ વાવાઝોડું સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પસાર થવાનું હતું પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ શકે છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું વાવાઝોડું આવશે કે નહીં તે હાલ કહેવું મુશ્કેલ છે પરંતુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતા છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ફરી ચિંતા ફરી વળી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 'મહા' વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આવશે તેમ તેમ નબળું પડતું જશે. 4 નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અગાઉ આ વાવાઝોડું ગુજરાતને 70થી 80 કિમીની ઝડપે ધમરોળવાનું હતું. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં, મહા વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે જણાવતા હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડું વેરાવળથી 540 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં સક્રિય છે. જે 4 નવેમ્બર બાદ મોટું સ્વરૂપ ધારણ કરશે અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે તેમ લાગી રહ્યું છે.