Mysamachar.in:ગાંધીનગર
જામનગરની જિલ્લા કલેક્ટર કચેરી સહિત સમગ્ર રાજયની કલેક્ટર કચેરીઓમાં બિનખેતીની હજારો ફાઈલો પ્રીમિયમ મુદ્દે નિર્ણીત થવાની બાકી છે. આ એવા પ્રકારની ફાઈલો છે જેમાં બિનખેતી માટેના પ્રીમિયમની ગણતરી જૂની જંત્રી મુજબ કરવી.? કે નવી જંત્રી મુજબ ? તે પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. આ મુદ્દે બધી કલેક્ટર કચેરીઓમાં ગડમથલ ઉભી થતાં, સરકાર તરફથી સ્પષ્ટતા કરતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ 15મી એપ્રિલે રાજયમાં નવા જંત્રીદરો અમલમાં આવ્યા. ઘણાં બધાં લોકોની બિનખેતીની અરજીઓ 14મી એપ્રિલ રાતના બાર વાગ્યા પહેલાં પોર્ટલ પર આવી હતી. આ લોકોને તંત્ર દ્વારા પ્રીમિયમની રકમ ભરવા જણાવાયું હતું. જેતે સમયે આ આસામીઓએ આ રકમ ભરવા મુદ્દતની માંગણી કરી હતી. જે લોકોએ આ રીતે મુદ્દત માંગી હશે તેઓની અરજીઓમાં પ્રીમિયમની રકમ નવી જંત્રી મુજબ વસૂલવામાં આવશે.
આ પ્રકારની ગડમથલો ટાળવા સરકારે પરિપત્ર બહાર પાડયો છે. આ પરિપત્ર વિભાગના સંયુકત સચિવ એચ.પી.પટેલની સહીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, 14 એપ્રિલ-2023ના રાત્રિના બાર વાગ્યા સુધીમાં iORAમાં થયેલી પ્રીમિયની અરજીઓમાં જૂના જંત્રીદરનો લાભ મેળવ્યો હોય અને એ મુજબ ઇન્ટિમેશન જનરેટ કરી, 21 દિવસમાં પ્રીમિયમ ભરવા જે અરજદારોને જણાવવામાં આવ્યું હોય, પરંતુ ત્યારબાદ જો અરજદારે મુદ્દતવધારો માંગ્યો હોય, તેવા કિસ્સાઓમાં 15 એપ્રિલથી નવા જંત્રીદરો અમલમાં આવતાં હોય, તે રીતે પ્રીમિયમની ગણતરી અને વસૂલાત સહિતના મુદ્દે ગડમથલ થતાં, જાહેર કરવામાં આવ્યું છે કે, પોર્ટલમાં 15 એપ્રિલ પહેલાં અરજી થયેલી હોય અને ઇન્ટિમેશન એકસપાયર થયું હોય અને મુદ્દત વધારો માંગ્યો હોય તેવા કિસ્સાઓ તેમજ 14મી એપ્રિલ પછી પેમેન્ટ કર્યું હોય અથવા પેમેન્ટ બાકી હોય તેવા કિસ્સાઓમાં નવી જંત્રી મુજબ પ્રીમિયમની રકમ વસૂલવાની રહેશે.
આ સૂચનાઓના અમલ માટે તમામ કલેક્ટરોને ઓફલાઈન પ્રોસેસ અનુસરવા કહેવાયું છે. જેથી સૌથી પહેલાં iORA પરથી અરજીઓ દફતરે થશે. અને બાદમાં અરજદારને પ્રીમિયમની રકમ ભરવા ઇન્ટિમેશન આપવાનું રહેશે.