Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર દેશમાં જ્યારથી અન્ય કેટલાંક ટેક્સના સ્થાને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST ની અમલવારી શરૂ થઈ છે ત્યારથી આ તંત્ર હંમેશા ચર્ચાઓમાં અને વિવાદાસ્પદ રહ્યું છે. જામનગરની આ કચેરીમાં ચોક્કસ પ્રકારની પતાવટ માટે ઉઘાડેછોગ ટકાવારી લેવાતી હોવાની ચર્ચાઓએ વેગ પકડયો છે. આ મામલે અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કચેરીના મહિલા અધિકારી પ્રતિક્રિયા આપવા ફોન પર ઉપલબ્ધ થઈ શક્યા નથી.
જામનગરની સ્ટેટ GST એટલે કે SGST કચેરી સાથે સંકળાયેલા ઘણાં બધાં કરદાતાઓ અને કરદાતાઓના કેસ કચેરીમાં પતાવતા ટેક્સ પ્રેક્ટિસનર્સ વર્તુળોમાં એવી ચર્ચાઓ વ્યાપક બની છે કે, GST તંત્રએ કરદાતાઓને તેઓની જે રિફંડની રકમ રોકાતી હોય તે રકમ નિયમો અનુસાર આપવાની જ હોય છે, પરંતુ આ કચેરીમાં કરદાતાઓએ પોતાની હક્કની, આ રિફંડની રકમ પરત મેળવવા કચેરીમાં ‘ભોગ’ ધરાવવો પડે છે, અન્યથા કરદાતાઓને રિફંડની રકમ પરત આપવામાં કચેરી દ્વારા વિલંબ કરવામાં આવે છે. રિફંડની કચેરીમાં રોકાતી રકમ પરત મેળવવા કરદાતાઓએ કચેરીમાં આવી કુલ રકમની દોઢથી બે ટકા જેટલી રકમ નૈવેદ્ય તરીકે ધરવી પડતી હોવાની ચર્ચાઓને કારણે આ કચેરીનો વહીવટ ભ્રષ્ટ હોવાની છબિ ઉપસી રહી છે.
આ ચર્ચાઓ અંગે SGST તંત્ર શું પ્રતિક્રિયા આપવા ચાહે છે, એ જાણવા Mysamachar.in દ્વારા આ કચેરીના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક સાધવા બે વખત પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક શક્ય બન્યો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના હજારો કરદાતાઓની રિફંડની આવી બહુ મોટી રકમ તંત્રમાં જમા હોય છે, તેમાં જો આ ચર્ચાઓ મુજબ ટકાવારી વસૂલવામાં આવતી હોય તો, આ કથિત ઉઘરાણાની રકમનો આંકડો ઊંચો હોય શકે..જો કે આ તમામ બાબતો જ્યાં સુધી એન્ટી કરપ્શન બ્યુરો કે ખાતાકીય તપાસોમાં સ્પષ્ટ ના થાય ત્યાં સુધી ચર્ચાઓ પુરતી સીમિત હોવાનું પણ કહી શકાય પણ નજીકના દિવસોમાં આવી તપાસો થાય તો પણ નવાઈ નહિ.