Mysamachar.in:ગાંધીનગર
એક જમાનામાં ‘પાસા’ બહુ મોટું શસ્ત્ર હતું – ખાસ કરીને શાસકો માટે. જો કે હવે વહેતાં સમય સાથે આ શસ્ત્ર બહુ ધારદાર રહ્યું નથી. અદાલતોના કડક વલણ પછી ક્રમશઃ ‘પાસા’ નો ખોફ ઘટી રહ્યો છે. અધિકારીઓની (અને એ રીતે સરકારોની) મનમાની પર ક્રમશઃ અંકુશ આવી રહ્યો છે. તાજેતરમાં રાજયની વડી અદાલતે સરકારને કહેલું : ચોક્કસ બાબતોને સામેલ કરી, પાસા અંગેની માર્ગદર્શિકા નવેસરથી તૈયાર થવી આવશ્યક છે. જે અનુસંધાને આ વિષય ફરી ચર્ચામાં આવ્યો છે.
વડી અદાલતના નિર્દેશ બાદ રાજ્ય સરકારે પાસા(Prevention of Anti- social Activities Act)ની નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. યોગ્ય વેરીફિકેશન વિના અને માત્ર એક જ ગુનાનાં આધારે, કોઈ ગુનેગાર વિરૂદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતા પહેલાં તંત્રએ હવે વિચાર કરવો પડશે. ગત્ ત્રીજી મે એ રાજ્યનાં ગૃહ મંત્રાલયે અધિકારીઓને ગાઈડલાઈનનાં રૂપમાં 12 મુદ્દાઓ(સુધારાઓ) મોકલાવ્યા હતાં અને જણાવ્યું હતું કે, પાસાનો ઉપયોગ કરતાં પહેલાં સતર્કતા દાખવવી, હકીકતો પર ધ્યાન આપવું, અને જો કોઈ અપરાધી જાહેર સલામતી મુદ્દે ભયજનક ન બન્યો હોય તો, તેનાં વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતાં પહેલાં ગંભીરતાથી વિચારવું. અત્રે નોંધનીય છે કે, પાછલાં બે જ વર્ષમાં વડી અદાલતે પાસાના 5,500 હુકમો રદ્ કરી નાંખ્યાં છે !
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ જિલ્લામાં કોઈ પણ આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચે તૈયાર કરવાની હોય છે, જે દરખાસ્ત જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) સમક્ષ મૂકવામાં આવે છે. તેઓ આરોપી વિરુદ્ધ વોરંટનો હુક્મ આપી શકે છે. ક્રાઈમ બ્રાન્ચે આ વોરંટની માત્ર બજવણી કરવાની હોય છે.
આ પ્રકારના કેસો રાજ્યમાં બહુ વધી ગયા હતાં ! અન્ય કોઈ પણ રીતે ‘કલચ’માં ન આવતાં ગુનેગારોની સામે પાસાનું શસ્ત્ર સ્થાનિક તંત્રો મુનસફી પ્રમાણે ઉગામી લેતાં હતાં ! પાસાની જોગવાઈઓને નજર અંદાજ કરવામાં આવતી હતી ! કોઈ આરોપી વિરુદ્ધ એકાદ ગુનો દાખલ થયેલો હોય તેને પણ (પરચૂરણ આરોપીઓને પણ) પાસામાં ફીટ કરી દેવાની અધિકારીઓની માનસિકતા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનતાં, વડી અદાલતે સરકારને સૂચના આપવી પડી હતી અને તેનાં આધારે ગૃહ મંત્રાલયે નવેસરથી ગાઈડલાઈન જાહેર કરવી પડી છે.
જો કે વડી અદાલતે ગૃહ મંત્રાલયને વધુ ત્રણ મુદ્દા આ નવી માર્ગદર્શિકામાં ઉમેરવા અને આગામી ત્રણ મહીનાની અંદર ગાઈડલાઈન નવેસરથી ઇસ્યૂ કરવાની સૂચના ગત્ પાંચમી મે એ આપી છે. ન્યાયમૂર્તિ એ.એસ.સુપૈયા અને ન્યાયમૂર્તિ ડી.એસ.જોષીની ખંડપીઠે આ સૂચના આપી છે. સૂચનામાં એમ પણ કહેવાયું છે કે, પાસાનો હુકમ કરતી વખતે આ એકટની કોઈ પણ જોગવાઈનો ભંગ થયેલો જણાય તેવા કિસ્સામાં, સંબંધિત અધિકારીની જવાબદારી પણ સરકારે ગાઈડલાઈનમાં નિશ્ચિત કરવાની રહેશે.વડી અદાલતે સરકારને ત્યાં સુધી કહ્યું છે કે, આ માર્ગદર્શિકા જાહેર કરતી વખતે સરકારે અન્ય એક પરિપત્ર પણ જાહેર કરવાનો રહેશે અને તેમાં અધિકારીઓને જણાવવાનું રહેશે કે, આ માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
એચ.આર.પ્રજાપતિ નામનાં એક એડવોકેટે પાસાના એક આદેશને હાઇકોર્ટમાં પડકાર ફેંકતા આ આખો મામલો વધુ એક વખત વડી અદાલતમાં રજૂ થયો અને નવી ગાઈડલાઈન માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. વડી અદાલતના આ નિર્દેશને પગલે હવે અધિકારીઓ પાસા હુકમ બાબતે મનમાની નહીં કરી શકે, આરોપીને યેનકેન પ્રકારે ‘ફીટ’કરી દેવાની મુત્સદ્દીગીરી પણ દેખાડી નહીં શકે કેમ કે અદાલતે કહ્યું છે, કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા અને મૂળભૂત હક્કો સૌથી મોટી બાબતો છે. તેનો ભંગ કોઈ પણ સંજોગોમાં ન થવો જોઈએ. આ ઉપરાંત અદાલતે એમ પણ જણાવ્યું છે કે, કાયદાપાલન દરમિયાન કોઈ અધિકારી અથવા સતાવાળાઓ પાસા સંદર્ભે જોગવાઈઓનું પાલન કરવામાં કસૂર કરશે તો તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.