Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારે વર્ષો પહેલાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોની ખેતીની જમીનોના સર્વેની આધુનિક પદ્ધતિઓ દાખલ કરી. રહસ્યમય રીતે, આ કામગીરીઓનો પાયલોટ પ્રોજેક્ટ જામનગર જિલ્લાથી શરૂ કરવામાં આવ્યો, કમનસીબ બાબત એ છે કે- આ પાયલોટ પ્રોજેક્ટ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે, વર્ષોથી હજારો ખેડૂતો હાલાકીઓ વેઠવા મજબૂર છે. વધુ કમનસીબ બાબત એ પણ છે કે, આટલાં વરસો બાદ પણ સરકાર અથવા આ વિભાગ, આ કામગીરીઓ સારી રીતે, ચોકસાઈથી અને ઝડપથી કરી શકતા નથી, તેથી ખેડૂતો પૂછી રહ્યા છે કે- નિયતમાં ખોટ છે કે અન્ય કોઈ કારણ ?!

અત્રે ઉલ્લેખનિય છે કે, સર્વે અને રિ-સર્વે ની કામગીરીઓ ઢંગધડા વિના જ વર્ષોથી ચાલી રહી છે. જેને પરિણામે ખેડૂતો-ખેડૂતો વચ્ચે વિવાદો અને ઝઘડા પણ થઈ રહ્યા છે, કાનૂની જંગ પણ થઈ રહ્યા છે, ખેડૂતો વર્ષોથી લેન્ડ રેકર્ડ કચેરીએ ધક્કા ખાવા મજબૂર છે. હજારો અરજીઓ પડતર રહે છે, નવી અરજીઓ થતી રહે છે, અરજીઓના નિકાલની પ્રક્રિયાઓ વિલંબથી થઈ રહી છે, આ કામગીરીઓમાં ભ્રષ્ટાચાર પણ કોઈથી અજાણ નથી, અરજીઓના પોઝિટીવ નિકાલ ઓછા અને નેગેટિવ નિકાલ વધુ થઈ રહ્યા છે. આ વિભાગની મથરાવટી આ બાબતે પાછલાં દસેક વર્ષ દરમિયાન વધુ ગંદી ઉર્ફે મેલી સાબિત થઈ છે. અનેકવખત રજૂઆત, આવેદન થયા છે, હોબાળા મચી ગયા છે, ચોંકાવનારા આક્ષેપ થયા છે, ખાતરી અને આશ્વાસન અપાયા છે- છતાં સંપૂર્ણ કામગીરીઓ યોગ્ય રીતે ચાલતી ન હોય, એક તરફ હજારો ખેડૂતોને હાલાકીઓ અને બીજી તરફ કામગીરીઓમાં લાલિયાવાડીઓ સતત યથાવત્.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં હાલારના ખુદ શાસકપક્ષના પૂર્વ સાંસદ આ કામગીરીઓ સંદર્ભે ચોંકાવનારી વાતો જાહેરમાં કહી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યના વર્તમાન કેબિનેટ મિનિસ્ટર(કૃષિમંત્રી)- જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ આ વિભાગના અધિકારીઓને કામગીરીઓ યોગ્ય રીતે અને ઝડપથી નિપટાવવા એક કરતાં વધુ વખત સૂચનાઓ આપી ચૂક્યા છે, છતાંયે આ વિભાગ હમ નહીં સુધરેંગે- એવું વલણ દેખાડી રહ્યો હોય, રિ-સર્વે નો આ પાયલોટ પ્રોજેક્ટ અતિ વિવાદી અને કલંકિત બની રહ્યો છે અને જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, સરકાર આ પ્રોજેક્ટની એજન્સી પ્રત્યે કૂણી લાગણીઓ ધરાવે છે !

-જામનગરના આ કામગીરીઓ સંબંધિત તાજા આંકડા..
જિલ્લાના 84,455 ખેડૂતો આ કામગીરીઓ પ્રત્યે નારાજગીઓ વ્યક્ત કરી ચૂક્યા છે, વાંધાઅરજીઓ આપી છે, આવી નવી વાંધાઅરજીઓ હજુ આવી રહી છે. જે પૈકી માત્ર 13,740 અરજીઓનો પોઝિટીવ નિકાલ થયો. 36,950 અરજીઓમાં નેગેટિવ નિકાલ જોવા મળેલ છે. 30,356 અરજીઓ અંગે હજુ કોઇ નિર્ણય થયો ન હોય, આ અરજીઓ પડતર છે. આ કામગીરીઓ હાલ 29 અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે. ખેડૂતોએ એવી અપેક્ષાઓ વ્યક્ત કરી છે કે, અમારાં વાંધા ઝડપથી સાંભળવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે. ખેડૂતોની આ આશા ક્યારે ફળશે ? આમ ને આમ વર્ષો વીતી ચૂક્યા.
