Mysamachar.in-ગાંધીનગર:
આજે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠા સત્રમાં મહેસુલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદે “ખોટી જમીન માપણી રદ કરો” ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવો તેવી સુચના આપી હતી પરંતુ હમેશા ખેડૂતોના અવાજ બનતા એવા હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષએ સાર્જન્ટને સુચના આપી ધારાસભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
વિધાનસભામાં પત્રકાર મિત્રોને સંબોધતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે આજે ગૃહમાં મહેસુલ વિભાગની માંગણી પર ચર્ચા થવાની હોય છેલ્લા ૧૦ વર્ષથી ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણી ના મુદે વિરોધ પ્રદર્શિત કરવા તથા આ બહેરી મૂંગી સરકારને જગાડવા “ખોટી જમીન માપણી રદ કરો” ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા અધ્યક્ષ દ્રારા મને ગૃહ બહાર કાઢવાના આદેશ કરવામાં આવ્યા હતા.ભૂલ ભરેલી જમીન માપણીના કારણે આજે ખેડૂત વર્ગમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થયા છે, કોઈની જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો કોઈના કબ્જા અવલ દવલ થઇ ગયા છે.

જમીન માપણી રદ કરાવવા માટે મેં કરેલા આંદોલનો ની વાત કરું તો જમીન માપણીમાં રહેલી ભૂલો ખેડૂતોને સમજાવવા માટે મારા વિસ્તારમાં ગામડે ગામડે જઈ પ્રોજેક્ટર દ્રારા સ્ક્રીન પર વિગતવાર ખેડૂતોને માહિતગાર કરી, ૨૫૦૦૦ હજારથી વધુ અરજીઓ મેં કરાવી, ૫૦૦ થી વધુ બાઈક સાથે ૧૦૦ કિલોમીટર ની બાઈક રેલી યોજી અને ત્યારબાદ અર્ધ નગ્ન હાલતમાં ડી.એલ.આર. કચેરી ખાતે આક્રમક વિરોધ નોંધાવ્યો. આવા તો અનેક આંદોલનો છેલ્લા દસ વર્ષથી સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યા છે તો શા માટે સરકાર આ જમીન માપણી રદ નથી કરતી?
જો મારા મત વિસ્તારની વાત કરું તો લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની ૪.૫ વીઘા જમીન રેકર્ડ પર ઘટી ગઈ છે, ચોટીલા ના નાથાભાઈ નારણભાઈ ની જમીન ઘટી ગઈ છે, થરાદના કરશનભાઈ બાબુજી ખોડાની ૧૦ એકર જમીન ઘટી ગઈ છે, ધ્રોલના લીલાબેન કોળી અને ચતુરબેન કોળીની બન્ને ની કુલ ૧૨ વીઘા જમીન ગાયબ થઇ ગઈ છે, આવા તો સમગ્ર ગુજરાતમાં કેટલાય લોકો છેલ્લા દસ વર્ષથી ડી.એલ.આર. કચેરીના ધક્કા ખાય છે.
જો જામનગર જીલ્લાની વાત કરું તો પ્રમોલગેશન બાદ ક્ષતિઓ સુધારવા માટેની છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૮૩૪૬૭ અરજીઓ ડી.એલ.આર. કચેરીએ જમા થઇ જેમાંથી માત્ર ૧૩૫૦૦જેટલી અરજીઓમાં ૭-૧૨ માં અસર આપવામાં આવી જયારે ગામ નકશામાં તો એક પણ અરજીમાં અસર આપવામાં આવી નથી અને જ્યાં સુધી ગામના નકશામાં અસર ના આપે ત્યાં સુધી ભૂલ સુધરી ગઈ તેવું ના કહી શકાય.
જમીન માપણીના મુદામાં એક વાત સમજવા જેવી છે કે કોઈ એક ખાનગી એજન્સી દ્રારા ગુજરાતમાં વર્ષ ૨૦૦૯-૧૦ માં પ્રમોલગેશન હેઠળ માપણી ચાલુ કરવામાં આવી અને વર્ષ ૨૦૧૪ માં એટલે કે માત્ર ૪ વર્ષમાં પ્રમોલગેશન પૂરું કરવામાં આવ્યું જયારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે આપણી સરકાર ૧૦ વર્ષથી સુધારે છે અને હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે.
એવું લાગી રહ્યું છે કે આ જમીન માપણીએ ભૂલ નહિ પણ જાણી જોઇને કરવામાં આવેલું ગુજરાત નું સૌથી મોટું કૌભાંડ છે. અમુક લાગતા વળગતા મળતીયાઓના ફાયદા માટે તેમની સસ્તી અને ગામથી કે રોડથી દુરની જમીનને કીમતી અને રોડ ટચ બનાવવાનું કૌભાંડ છે તેમ ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું.આમ વિધાનસભા ગૃહમાં ખેડૂત નેતા હેમંત ખવા દ્રારા ખોટી જમીન માપણી સંપૂર્ણ રદ કરવા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
