Mysamachar.in-ગાંધીનગર:
સરકારમાં ખાસ કરીને મહેસૂલ વિભાગ સાથે સંબંધિત કામોની ફાઈલો, સામાન્ય રીતે બહુ ધીમી ગતિએ આગળ વધતી હોય છે જેને કારણે હજારો સામાન્ય અરજદારો અને બિલ્ડર્સ સહિતના લોકોને વિવિધ પ્રકારની હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. તે દરમિયાન મહેસૂલ વિભાગે કામો ગતિશીલ બનાવવા એક પરિપત્ર જમીન માપણી સંબંધે જાહેર કર્યો છે, જેથી હજારો અરજદારોને ઘણી રાહત મળશે.
ગાંધીનગરથી જાહેર થયેલી વિગતો જણાવે છે કે, ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી-NA રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણના તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપથી જનરેટ કરી શકાય અને દુરસ્તી કમી જાસ્તી પત્રક-KJPની કાર્યવાહીઓ થઈ શકે તે માટે મહેસૂલ વિભાગે કરેલા નિર્ણય અનુસાર, જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અરજન્ટ ગણવામાં આવશે અને ફી રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે.
આ નિર્ણયને કારણે રેકર્ડ તત્કાલ બનશે, વહીવટી સમય બચશે, બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે, વ્યાજમાં રાહત થશે, સરકારી સહાય, વેચાણ અને NA રૂપાંતરણ ઝડપી બનશે, ખેડૂત ખાતેદારો માટે હિસ્સા જુદા પડાયા બાદ સહમતીની જરૂર રહેતી નથી, સમયઅવધિને કારણે ભ્રષ્ટાચાર-પક્ષપાત અને ફરિયાદો ઘટશે અથવા અટકશે.અને, આ રીતે પ્રોપર્ટીકાર્ડ તાત્કાલિક જનરેટ થતાં સમગ્ર રાજ્યના અર્થતંત્રમાં તેની અસરો દેખાશે.