Mysamachar.in:અમદાવાદ
ગુજરાત સરકારે જયારે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ શરૂ કર્યો ત્યારે, અમલ પહેલાં અને અમલ શરૂ થયા પછી પણ- આ કાયદાની જાહેરમાં ભરપેટ પ્રશંસાઓ કરી અને આ વખાણ ચૂંટણીઓ સહિતના સમયમાં, લાંબા સમય સુધી ચાલ્યા પણ ખરાં. પરંતુ વાસ્તવિકતા એ છે કે, હાઈકોર્ટમાં રાજ્ય સરકારના કોઈ પણ એક કાયદાને વધુમાં વધુ પડકાર અપાયો હોય તો એ આ કાયદો છે. આ કાયદાની અમલવારી જિલ્લાકક્ષાએ કાયમ ચર્ચાસ્પદ રહે છે. સમગ્ર રાજ્યમાં કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. કાયદાના અમલના વિરોધમાં વડી અદાલતમાં સેંકડો અરજીઓ થઈ છે. સરકાર કોર્ટમાં કાયદાનો બચાવ કરી રહી છે. આજે પણ આ અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ છે.
જામનગર સહિત રાજયભરમાં જમીનના ક્ષેત્રમાં માફિયાગીરી કોઈથી અજાણ નથી. આ પ્રકારના આરોપીઓના ગળાના માપ લેવામાં સ્થાનિક સ્તરે ભારે વિલંબો થતાં રહેતાં હોય, આરોપીઓ વિરુદ્ધ કાનૂની ગાળિયો જૂજ કેસોમાં તૈયાર થાય છે. મોટાભાગના માફિયાઓ સલામત રહે છે, એવી રજૂઆત વડી અદાલતમાં પણ થઈ છે.આ કાયદાના વિરોધમાં વડી અદાલતમાં ત્યાં સુધી કહેવાયું છે કે, આ કાયદાની સ્થાનિક સ્તરે જે અમલવારી થઈ રહી છે તે માફિયાઓને બદલે સામાન્ય લોકોને નિશાન બનાવે છે. કોઈ બે વ્યક્તિ વચ્ચે મિલ્કત સંબંધે સિવિલ વિવાદ હોય કે ભાડૂઆત-માલિક વચ્ચેનો સિવિલ વિવાદ હોય, આવા કેસોમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાને બિનજરુરી રીતે વચ્ચે લાવી સામાન્ય માણસોને દબડાવવાની પ્રવૃતિઓ ચાલે છે. આ કાયદાના અમલનો રાજયભરમાં એટલાં મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે કે, સરકારે વડી અદાલતમાં કાયદાના બચાવ માટે જાતજાતની અને લાંબી વાતો તથા વારતાઓ કરવી પડે છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, વડી અદાલતમાં આ કાયદાના અમલને પડકારતી 1,800થી વધુ અરજીઓનો ભરાવો થયો છે જેને કારણે સરકાર સતત બચાવના દબાણ હેઠળ રહે છે. અને બીજી તરફ વડી અદાલત પણ દરેક અરજીને વિસ્તૃત રીતે ન્યાય આપવા પ્રયાસો કરે છે તેથી હાઈકોર્ટમાં આ મામલાઓમાં સતત ગરમાવો રહે છે.
આ કાયદાની સૌથી વિશેષ બાબત એ છે કે, ભૂતકાળમાં કોઈ જમીન બાબતે આ કાયદા હેઠળ ગુનો બન્યો હોય તો તેની જવાબદારીઓ જમીનના હાલના કબજેદારો પર આવી પડે છે તેથી જમીનોના ઘણાં કબજેદારો અને વપરાશકારો ભારે પરેશાન છે અને બીજો મુદ્દો એ છે કે, આ કાયદાના અમલમાં સ્થાનિક કલેક્ટર તંત્ર તથા પોલીસને એટલી બધી સતાઓ આપવામાં આવી છે કે, ઘણાં કેસમાં તો સંબંધિત પક્ષકારના અધિકારો સામે પણ પડકાર સર્જાય છે જેને કારણે સામાન્ય નાગરિક હાલાકીનો અહેસાસ કરી રહ્યો છે. અને સ્થાનિક તંત્રો લોકભોગ્ય ભાષામાં કહીએ તો, તહોમતદાર પર રીતસર ઘોડોઘોડો થઈ જતાં હોય છે, એવી પણ રજૂઆત વડી અદાલત સમક્ષ થઈ છે.