Mysamachar.in-અમદાવાદ
લેન્ડ ગ્રેબિંગ ગુજરાભરમાં સારાં એવા પ્રમાણમાં ચર્ચાતો મુદ્દો છે. શાસન આ કાયદાને કડક લેખાવી પ્રસંશા કરતું રહે છે. ખોટી ફરિયાદોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું ચર્ચાય છે. અને, સાથેસાથે આ મામલાઓમાં સંબંધિત તંત્રોની કાર્યપદ્ધતિઓ અંગે પણ ઘણું સાંભળવા મળતું રહેતું હોય છે અને કેટલાંક જેન્યુઈન કિસ્સાઓમાં આરોપીઓને જેલોમાં પણ ધકેલવામાં આવી રહ્યા છે, તેને કારણે ગુનાહિત માનસ ધરાવતાં તત્વોમાં ગભરાટ પણ છે. તે દરમિયાન, લેન્ડ ગ્રેબિંગના એક મામલામાં, એક વૃદ્ધને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયાનો અહેવાલ સામે આવ્યો છે. આ કેસમાં વડી અદાલતે કઠોર શબ્દોનો ઉપયોગ કરી સરકાર અને અધિકારી(કલેક્ટર)ને ભીંસમાં લેતાં, આખરે કલેક્ટરે બિનશરતી માફી પણ માંગવી પડી છે.
આ મામલો અમદાવાદનો છે. 65 વર્ષના એક વૃદ્ધ 1975થી એક મિલકતના ભાડૂઆત-કબજેદાર છે. ભાડા કરાર છે. ભાડા કરાર રિન્યુ થયાનો ઉલ્લેખ છે. નિયમિત ભાડું જમા થાય છે. બેંક સ્ટેટમેન્ટમાં તેનો ઉલ્લેખ છે. આમ છતાં, આ વૃદ્ધ વિરુદ્ધ આ મિલકત મામલે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ થઈ. એટલું જ નહીં, કલેક્ટરે તો આ વૃદ્ધને જેલમાં મોકલી આપવાનો આદેશ પણ કરી દીધો. વૃદ્ધને સાત દિવસ ખોટી રીતે જેલમાં વિતાવવા પડ્યા. આખરે મામલો વડી અદાલતમાં ગયો. વડી અદાલતે કલેક્ટરને ઘણું બધું સંભળાવી દીધું. કલેક્ટરનો ‘ખુરશીનો નશો’ ઉતરી ગયો. તેમણે વ્યક્તિગત એફિડેવિટ ફાઇલ કરી, બિનશરતી માફી માંગવી પડી. અને, અદાલતે કલેક્ટર ઓફિસને એવો પણ આદેશ કર્યો કે, સાત દિવસ જેલમાં રહેવા બદલ આ વૃદ્ધને વળતર આપવામાં આવે. સુનાવણી દરમિયાન અદાલતે એમ પણ કહેલું કે, વળતરની આ રકમ કલેક્ટરના ખિસ્સામાંથી શા માટે ન વસૂલવામાં આવે.
આ સુનાવણીઓ દરમિયાન અદાલતે પોતાનો હુકમ સરકારના ગૃહ અને મહેસૂલ વિભાગના સચિવો ધ્યાનમાં લ્યે અને ભૂલ કરનાર અધિકારીઓની જવાબદારીઓ નક્કી થાય એ માટે નિર્દેશ આપ્યા. સુનાવણી દરમિયાન એ પણ ધ્યાન પર આવ્યું કે, કલેક્ટર દ્વારા અગાઉ વડી અદાલતમાં અપાયેલો જવાબ અસ્પષ્ટ હતો. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023માં આ કેસ સિવિલ કોર્ટમાં ગયેલો ત્યારે, અદાલતે યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલો.