Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સૌ કોઈ દાયકાઓથી જાણે જ છે કે, જમીનની ખરીદીની વાત હોય કે મકાન સહિતની કોઈ પણ સ્થાવર મિલકતની ખરીદીનો મામલો હોય, તેના સરકારમાં બનતાં દસ્તાવેજ ‘નાના’ હોય છે, વાસ્તવિક લેતીદેતી ‘મોટી’ હોય છે અને આ રીતે કાળા નાણાંનું સર્જન રાતદિવસ ચાલતું જ રહે છે. હવે પ્રથમ વખત, આ પ્રેક્ટિસ આવકવેરા વિભાગના રડારમાં લેવામાં આવી. જેને કારણે ભારે દોડધામ શરૂ થઈ છે.
આવકવેરા વિભાગની અમદાવાદ ટીમે, અમદાવાદના કેટલાંક બિલ્ડર્સ અને ડેવલપર તેમજ આ ધંધાર્થીઓ પાસેથી મિલકતો ખરીદનારાઓ પૈકી ઘણાં બધાં લોકોને ટેક્સ ડિમાંડ નોટિસ આપી. આવકવેરા વિભાગ પાસે એવા કેટલાંક પુરાવાઓ આવી ગયા કે, મિલકત વેચનાર અને ખરીદનાર વચ્ચે, ‘ઓન’ના નાણાંની લેતીદેતીઓ થઈ છે. આ પુરાવાઓના આધાર પર નોટિસો આપવામાં આવી છે.
વિભાગ દ્વારા એમ કહેવાય રહ્યું છે કે, આ પ્રકારની ‘ઓન’ના નાણાંની લેતીદેતીઓ લાખો કરોડોમાં હોય છે. આવકવેરા વિભાગના હાથમાં આવી કેટલીક ચિઠ્ઠીઓ આવી ગઈ છે. આ ઉપરાંત કેટલાંક આસામીઓની વોટ્સએપ ચેટમાં પણ આ નાણાંની લેતીદેતીના પુરાવાઓ વિભાગ પાસે છે. જો કે, અમદાવાદમાં આવકવેરા વિભાગની આ કાર્યવાહીઓનો મોટો અને સંગઠીત વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. તેથી આગામી સમયમાં શું થાય છે, એ જોવું રસપ્રદ બનશે એમ જાણકારો કહે છે.
સૂત્રના કથન મુજબ, જે લોકોને આ ટેક્સ ડિમાંડ નોટિસ મળી છે એ તમામ નોટિસ આવકવેરા ધારાની કલમ 147 હેઠળ આપવામાં આવી છે. આવકવેરા વિભાગે કેટલાંક આસામીઓના કેસ રિ-ઓપન કર્યા. તેમના કેસમાં આવકમાં ઉમેરો કરી, આ ટેક્સ ડિમાંડ નોટિસ આપી છે. બિલ્ડર્સ અને ડેવલપર તથા ફ્લેટ ખરીદનાર આસામીઓ આ ઓનની રકમ કયાંથી લાવ્યા ? તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઘણાં બધાં લોકોને આ રીતે વધારાનો આવકવેરો ભરવા ફરજ પાડવામાં આવી રહી છે. ખુલાસા કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. કેટલાંક આસામી આ નોટિસ સામે અપીલમાં ગયા. કેટલાંક આસામીઓ નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યા છે. આ તમામ કરદાતાઓ એકઠાં થઈ આવકવેરા કમિશ્નર સમક્ષ રજૂઆત માટે ગયા હતાં. જો કે, તેમણે આ કરદાતાઓની વાત સાંભળી નથી.
આવકવેરા વિભાગ દ્વારા આ પૈકીની બિનહિસાબી રકમ પર 78 ટકા ટેક્સ, 12 ટકા વ્યાજ અને 10 ટકા પેનલ્ટી લગાવી, એ રીતે હિસાબ કરી, ટેક્સ ડિમાંડ નોટિસ આપવામાં આવી રહી છે. કેટલાંક કરદાતાઓ કહે છે, ઘણાં કિસ્સાઓમાં ઓનની રકમની ચૂકવણી કરતાં આ ડિમાંડની રકમ વધારે થઈ રહી છે. (સૂત્રના જણાવ્યા અનુસાર, જે મિલકત ખરીદનાર આસામીઓ બિલ્ડર્સ સાથે વાતચીત કરી, બાદમાં આવકવેરા વિભાગમાં જવાબ દાખલ કરશે, તેમના કેસમાં રાહતો મળવા અણસાર છે!)
ઓનના નાણાંની રકમ અંગે, માત્ર ચિઠ્ઠીઓ મળતાં અનુમાનોના આધારે ટેક્સ ડિમાંડ ઉભી કરી શકાય નહીં, એવું એક અવલોકન ભૂતકાળમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એક કેસમાં કરવામાં આવેલું. આ મામલામાં પક્ષકાર તરીકે CBI હતી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં ગુજરાતની વડી અદાલતે પણ આ પ્રકારના એક કેસમાં આવકવેરા અધિકારીનો ઉધડો લીધો હતો.