Mysamachar.in:દેવભૂમિ-દ્વારકા
હાલારના જામનગર તથા દ્વારકા જિલ્લામાં વિકાસકાર્યો સડસડાટ દોડવાનું શરૂ થયું છે. જામનગરમાં રાજકોટ-કાનાલુસ રેલવે ડબલ ટ્રેક માટે જમીન સંપાદન કાર્યવાહી ચાલુ છે અને બીજી બાજુ સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવેને ઓખા સુધી લંબાવવા માટે પણ જમીન સંપાદન કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. આ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું જાહેરનામું કહે છે, સોમનાથ દ્વારકા નેશનલ હાઇવેને ઓખા સુધી લંબાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલાં ગામો આરંભડા, ભીમરાણા, દ્વારકા, મકનપુર, મીઠાપુર, મોજપ, ઓખા, શિવરાજપુર અને વરવાળાની જમીનોના સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જાહેરનામાની વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે, આ જમીનોમાં ખેતીની જમીનો, સરકારી અને ખાનગી જમીનો, કેટલાંક હૈયાત રોડનાં કટકા, સરકારી ખરાબાની જમીનો વગેરેનો આ સંપાદનમાં સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવેને ઓખા સુધી લંબાવવામાં આવ્યા પછી, ઓખો જગથી નોખો કહેવત સંકોચાઈ શકે છે કેમ કે પછી પશ્ચિમ ભારતનો આ છેવાડાનો પ્રદેશ દેશ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાઈ જશે અને આ વિસ્તારની સિકલ બદલી જવાની સંભાવનાઓ સપાટી પર આવી જશે. હાલમાં આ સમગ્ર સંપાદન પ્રક્રિયા પ્રાંત કચેરી સાથે સંકળાયેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ જમીન સંપાદન પ્રક્રિયા અંદાજે 31 કિલોમીટર રસ્તા માટે કરવામાં આવી રહી હોવાનું સમજાઈ રહ્યું છે.