Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રમાં જામનગર એક વિશિષ્ટ મહાનગર લેખાય છે. આ વિસ્તારમાં વર્લ્ડક્લાસ ઉદ્યોગો છે ઉપરાંત બ્રાસસિટી તરીકે જામનગર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આપણું મહાનગર ખાસ કરીને લાલપુર બાયપાસ વિસ્તારમાં હજારો અને તોતિંગ વાહનોની મોટી અવરજવરને કારણે અતિ વ્યસ્ત વાહનવ્યવહાર ધરાવે છે. અને, લાંબા સમયથી આ વિસ્તારમાં ફ્લાયઓવરની તાતી જરૂરીયાત જેનું કામ કઈ રીતે અને કેટલું ચાલી રહ્યું છે તે તસ્વીર સ્પષ્ટ કરે છે. 1,000 મીટર લાંબા અને 24 મીટરની પહોળાઈ તો 5.50 મીટરની ઊંચાઈ ધરાવતા આ ફ્લાયઓવરની કામગીરી સતત ને સતત આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે આ ફ્લાયઓવરનું ખાતમૂહર્ત થયું હતું.
આ સ્થળે ફ્લાયઓવર બ્રીજ નિર્માણ કરવા આજના સમયની જરૂરિયાત હતી જેને અનુલક્ષીને અહી કામગીરી શરુ કરવામાં આવી છે, લાલપુર બાયપાસ ચોકડી નજીક બ્રીજના અલગ અલગ શહેરોમાં કામ કરવાના અનુભવ ધરાવતી રણજીત કન્સ્ટ્રકશન કંપની અમદાવાદ દ્વારા આ કામ અનુભવી સ્ટાફ સાથે આગળ વધી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાલપુર બાયપાસ ચોકડી પર એક હાઈવે લાલપુર તરફથી આવી રહ્યો છે. આ માર્ગ પર રિલાયન્સ, નયારા જેવી વિશ્વકક્ષાની કંપનીઓ તથા જીએસએફસી કંપનીનાં હજારો તોતિંગ વાહનો રાતદિન ચાલતાં રહે છે. આ ઉપરાંત લાલપુર રોડ પર દરેડ ગામનાં પાછળનાં ભાગે ત્રણ ઉદ્યોગનગર આવેલાં છે. જેથી હજારો ઉદ્યોગકારો તથા કામદારો તેમજ ઉદ્યોગનગરોના સેંકડો મુલાકાતીઓને આ માર્ગ તથા ચોકડી પરથી પસાર થવાનું રહેતું હોય છે.આ બ્રીજ કાર્યરત થતા સમય અને ઇંધણ બન્નેની બચત થશે તેવો દાવો મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ ચોકડી પરથી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને રાજકોટ તથા ગુજરાત-દેશનાં અન્ય મથકોને જોડતો બાયપાસ પણ પસાર થાય છે. આ ઉપરાંત જામનગર શહેરને દરેડ-કનસુમરા ઉદ્યોગનગરો સાથે જોડતો માર્ગ તથા જામનગરને લાલપુર-પોરબંદર સાથે જોડતો માર્ગ પણ આ ચોકડી પરથી પસાર થતો હોય, વર્ષના 365 દિવસ અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. લાખો લિટર ઈંધણનો વ્યય થાય છે. લોકોનાં હજારો કલાકો વેડફાય છે. વાહનોની કતારો લાગી જાય છે. અવારનવાર નાનાં મોટાં અકસ્માતો થતાં રહે છે. જીવલેણ અકસ્માતમાં સેંકડો લોકો જાન ગુમાવે છે. કાયમી ખોડખાંપણ મેળવે છે. ટ્રાફિક જામને કારણે ઝગડાઓ પણ થતાં રહે છે ! આ બધી સમસ્યાઓ નિવારવા લાલપુર બાયપાસ ચોકડી પર નવો ફ્લાયઓવર બની રહ્યો છે.
જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શનમાં આસી.કમિશ્નર અને સિટી ઈજનેર ભાવેશ જાની કે જે જામનગર શહેરના કેટલાય મહત્વના પ્રોજેક્ટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે તેમની સીધી દેખરેખ હેઠળ, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ દ્વારા આ ફ્લાયઓવર નિર્માણ માટેની કાર્યવાહી સુચારુરૂપે ચાલી રહી છે.
આ ફ્લાયઓવર જામનગર શહેર અને જિલ્લાના હજારો નાગરિકો ઉપરાંત દેશભરના જે વાહનો અહીંથી પસાર થાય છે તે લાખો વાહનચાલકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ પૂરવાર થશે. સમય, ઇંધણ બચશે. ઘાતક અકસ્માતો નિવારવામાં મદદરૂપ બનશે. તથા, કાયમી ટ્રાફિક જામની પળોજણ દૂર થતાં હજારો વાહનચાલકોને મોટી રાહત મળી શકશે. આ ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થવાનો સમયગાળો 24 માસ નક્કી કરવામાં આવ્યો હતો પણ આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની મુદત 31 માર્ચ 2026 અંદાજવામાં આવી છે. જો કે અધિકારીઓને એવો આશાવાદ છે કે આ કામગીરી જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થઇ જતા આ બ્રિજ લોકઉપયોગી બની જશે
–બ્રીજ પર 6 લેન હશે
આ બ્રીજ પર પસાર થવા માટે GSRDC ના હાઈવે પર બનતા બ્રીજોના નવા સૂચનો પ્રમાણે 6 લેન હશે, તેમ જાણવા મળે છે, જો કે મનપાએ આ પ્રોજેક્ટ મંજુર કર્યો ત્યારે ત્યાં 4 લેન દર્શાવવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટની કુલ કોસ્ટ 65 કરોડ દર્શાવવામાં આવી હતી જો કે હવે 4 લેનને બદલે 6 લેન બ્રીજ બનશે એટલે અંદાજે 25 કરોડ જેટલો ખર્ચ આ બ્રીજમાં વધી જશે જેથી આ બ્રિજનો ખર્ચ 100 કરોડ જેટલો થશે.
–આ રહી ફ્લાયઓવરની ટેકનિકલ સહિતની વિગતો….
ફ્લાયઓવરની કુલ લંબાઈ: 1,000 મીટર ( એક કિલોમીટર)
ફ્લાયઓવરની કુલ પહોળાઈ: 24 મીટર
ફ્લાયઓવરનો પ્રકાર: 6 લેન બ્રિજ
ફ્લાયઓવરની કલિયર ઉંચાઈ: 5.50 મીટર
અને, સર્વિસ રોડની પહોળાઈ: 7.50 મીટર ( બ્રિજની બંને બાજુ)