Mysamachar.in:રાજકોટ
આજના સમયમાં સોશ્યલ સાઈટ્સના માધ્યમથી કોઈના સંપર્કમાં આવી અને ફટ કરતો વિશ્વાસ કરી લેવા જેવો નહતી અને તેમાં પણ મામલો જયારે રૂપિયાનો હોય ત્યારે તો નહિ જ… આવી જ એક ઘટના રાજકોટના એક યુવક સાથે બની જેને એક લાખના ત્રણ લાખની લાલચમાં એક લાખ પણ ગયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
મળતી વિગતો એવી છે કે રાજકોટમાં રહેતા ભરત મેરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી એકાદ મહિના પહેલા તેને ફેસબુક ઉપર ભાવેશ પટેલના નામની આઇડી પર એક એડ ખોલતા તેમાં એક લાખના ત્રણ લાખ થઈ જશે તેમ લખેલું હતું. જેથી તેને પૈસાની જરૂર હોવાથી લાલચ જાગતા ફેસબુક પર સંપર્ક કર્યુ હતું. ત્યારબાદ ફરિયાદી ભરતએ પોતાનો વોટ્સએપ નંબર શેર કર્યો હતો. અને ગાંધીધામ ખાતે ડીલ કરવાનું નક્કી થયું હતું, જે બાદ ભરતએ પોતાના મિત્ર પાસેથી પૈસા ઉધાર લઈ ₹1,00,000ની વ્યવસ્થા કરી હતી જે બાદ ફરિયાદીને એક લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવવાનું કહેવામાં આવ્યું હતું. ભરત અને તેનો મિત્ર 1 લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવ્યા તે દરમિયાન તેમને એક રાજેશ નામના શખ્સનો નંબર આપવામાં આવ્યો હતો. ભરતએ તેને ફોન કરતા રાજેશએ તે લોકોને તારીખ 20/08/2023ના રોજ અંજારમાં બગીચા પાસે દેવળિયા નાકે બોલાવ્યા હતા.
ત્યારબાદ બે શખ્સો આવીને ફરિયાદી અને તેમના મિત્રને ગાડીમાં લઈ જઈ નોટો ચેક કરવાનું કહ્યું હતુ. જેથી ભરતએ અંજારની SBI બેન્કના ATMમાં બે નોટ ચેક કરતા રૂપિયા સાચા હતા. જેથી તેને ડીલ કરવાની હા પાડી, ત્યારબાદ બંને શખ્સોએ બપોરના ડીલ કરશું કહેતા ભરત 1 લાખ રૂપિયા લઇ અંજારની જેસલ તોરલ સમાધિ પાસે પાર્કિંગમાં એક લાખ રૂપિયા આપ્યા હતા અને તેઓએ ભરતને પ્લાસ્ટિકના કવરમાં ત્રણ લાખ કહીને રૂપિયાનો બંડલ આપી તુરંત જ પોલીસની બીક બતાવી નાસી ગયા હતા. ભરતએ રૂપિયા ચેક કરતા તે કોરા કાગળનું બંડલ નીકળ્યું હતું. જેથી ભરતએ ફોન કરતા તેઓ એક લાખ રૂપિયા પાછા આપવાનું કહી પરત ન આપતા ફરિયાદીએ ભાવેશ પટેલ અને રાજેશ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.