Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત સમગ્ર રાજ્યમાં લાખો છાત્રોની શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનો મામલો પેચીદો બની ગયો છે. લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યો- ખૂબ જ પરેશાન છે. ગાંધીનગર આ સમસ્યાઓનું નિવારણ હજુ સુધી તો કરી શક્યું નથી.
લાખો છાત્રોની શિષ્યવૃતિ માટેની તથા ગણવેશ સહાયની કામગીરીઓ લોચે ચડી છે. ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ ડિજિટલી હોંશિયાર નથી. આ પોર્ટલ ‘સરકારી’ ઢબે કામ કરતું હોય, લાખો લોકોના કામો અટકી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના 1.35 લાખ સહિત રાજ્યના 4.15 લાખ છાત્રો આ પોર્ટલની પળોજણને કારણે પરેશાન છે, તેઓ શિષ્યવૃતિ અને ગણવેશ સહાયથી વંચિત છે. હજારો શિક્ષકો અને આચાર્યો પણ આ સમસ્યાઓથી ત્રાસી ગયા છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ ડચકાં ખાય છે.
શિક્ષકો, આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ સંબંધિત ઘણી બધી માહિતીઓ આ પોર્ટલ પર અપલોડ કરી હોય, સેવ કરી હોય, છતાં પોર્ટલ પર અવારનવાર એરર આવતાં આ સેવ થયેલી વિગતો અદ્રશ્ય થઈ જાય છે. ફરીથી માહિતીઓ અપલોડ કરો અને ફરી એરર !! આ પોર્ટલથી લાખો લોકો થાકી ત્રાસી ગયા હોય, તેઓ કહે છે: આ પોર્ટલ ‘સરકારી’ ઢબે કામ કરે છે, સતત વ્યસ્ત પણ આઉટપુટ શૂન્ય.
-જામનગર જિલ્લામાં……
જામનગર જિલ્લામાં 13,015 છાત્રો આ શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મેળવવા પાત્ર છે, જે પૈકી માત્ર 3,130 છાત્રોની શિષ્યવૃતિ મંજૂર થઈ છે. દ્વારકા જિલ્લામાં 6,305 છાત્રો પૈકી 2,331 છાત્રોની શિષ્યવૃતિ મંજૂર થઈ છે. રાજ્યભરમાં શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મંજૂર ન થઈ હોય એવા છાત્રોની સંખ્યા 4.15 લાખ છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ આંકડો 1.35 લાખ છે.(FILE IMAGE)