Mysamachar.in-અમદાવાદ:
ઝૂમ બરાબર ઝૂમ શરાબી અને દમ મારો દમ….ગુજરાતમાં ધમધોકાર ચાલી રહ્યું છે, ડ્રગ્સ સહિતના દૂષણો વિરુદ્ધની ‘સરકારી’ લડાઈ માત્ર કાગળ પર લડાઈ રહી હોવાનું ચિત્ર બહાર આવ્યું છે, રાજ્યમાં મહિલાઓ સહિત લાખો લોકો કોઈના પણ ડર વિના નશો કરી રહ્યા છે, સરકારે જાહેર કરેલાં આંકડાઓ કદાચ નાના સાબિત થઈ જાય એટલી હદે, લોકો નશો કરી રહ્યા છે અને નશાના કારોબારની કડીઓ એવી જગ્યાઓ સુધી પથરાયેલી છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર સરકાર અને શાસકપક્ષ વિરુદ્ધ પણ, આ સંદર્ભે ઘણું લખાઈ રહ્યું છે.
એક સરકારી અંદાજ કહે છે: ગુજરાતમાં 19 લાખ લોકો વિવિધ પ્રકારનો નશો કરે છે, આ આંકડામાં 2 લાખ તો મહિલાઓ પણ છે. રાજ્યમાં ગાંજાથી માંડીને હેરોઈન અને કોકેન સહિતના ડ્રગ્સ મોટાં પ્રમાણમાં ઝડપાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે, આ કારોબાર અબજો રૂપિયાનો છે. ન ઝડપાતું ડ્રગ્સ વધુ પ્રમાણ ધરાવતું હશે, અને સરકારના ચોપડે કે સર્વેમાં ન હોય એવા નશાખોરોની સંખ્યા પણ લાખોમાં હોવાની શકયતાઓ છે. કેમ કે, પૈસા ફેંક તમાશા દેખ ની તર્જ પર તમે કોઈ પણ નશો, તમારાં શોખ અને તમારી પહોંચ તથા તમારી ખરીદ શક્તિ અનુસાર, ગુજરાતમાં બધે જ મેળવી શકો છો. આ હકીકત સૌ જાણતાં હોય, અહીં નશાની કોઈને હવે નવાઈ નથી રહી.
રાજ્યમાં 17.38 લાખ પુરૂષ અને 1.89 લાખ મહિલાઓ માદક પદાર્થનું સેવન કરે છે-એમ સરકાર કહે છે. એક તરફ સરકાર પોતાના વિભાગો મારફત અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી નશાના દૂષણ વિરુદ્ધ લડાઈ લડી રહી છે, જાગૃતિ ફેલાવી રહી છે. બીજી તરફ બધું જ આસાનીથી મળે છે. નશા વિરુદ્ધ લડાઈ લડતી ઘણી સંસ્થાઓને નાણાં આપવાનું સરકારે બંધ પણ કરેલું છે. અને, નશાના કારોબાર અને નશાની દુનિયામાં ‘તોડ’ સહિતના અનિષ્ટ પણ સામે આવી રહ્યા છે. પીઠબળ ધરાવતાં કેટલાંક તત્ત્વો નશાનો કારોબાર આરામથી ચલાવી રહ્યા છે. સગીરો, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તથા મહિલાઓ સુધી નશાની જાળ વિસ્તરેલી છે, જેને કડક રીતે ડામી દેવાના પ્રયાસ થતાં નથી, અને સાથેસાથે સરકાર દ્વારા નશામુક્તિ અને સારવાર કેન્દ્રો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
સરકારે જાહેર કરેલાં ડેટા મુજબ, રાજ્યમાં પુષ્કળ પુરૂષો અફીણનું સેવન કરે છે. 2.36 લાખ પુરૂષ અને 1.49 લાખ મહિલાઓ ગાંજાનું સેવન કરે છે, 7.91 લાખ પુરૂષ અને 1,000 મહિલાઓ અફીણનો નશો કરે છે. બાકીના લાખો પુરૂષ અને મહિલાઓ કોકેન તથા નાકેથી લેવાના ડ્રગ્સનો પણ નશો કરે છે. ટૂંકમાં, નશો ગાંધીના ગુજરાતમાં, ડ્રાય સ્ટેટમાં કોઈના પણ માટે હવે નવાઈ રહી નથી, લાખો લોકો માટે તે બંધાણ અથવા લાઈફ સ્ટાઈલ છે. (symbolic image source:google)