Mysamachar.in-સુરત:
હજુ તો ગઈકાલની જ વાત છે કે જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોલીસહેડક્વાર્ટરમાં વસવાટ કરતા એક પોલીસકર્મીએ સજોડે આપઘાત કરી લીધાના કિસ્સામાં ચાર માસનું માસુમ બાળકે માતા પિતાની છત્રછાયા ગુમાવ્યાના કિસ્સાને કલાકો નથી થઇ ત્યાં જ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જે ભલભલાના દિલ હચમચાવી દે તેવી છે, સુરતના પરવત પાટિયામાં માતાએ પોતાની ત્રણ વર્ષીય પુત્રી સાથે પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કરતા અરેરાટી વ્યાપી જવા પામી છે, પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસને કારણે પરિણીતએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર પરવતપાટિયા પાસે આવેલા સીએનજી પંપની પાછળ આવેલા રૃદ્રમણી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય કોમલબેન આશિષ સોમાણીએ મંગળવારે બપોરે પાંચમા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી પોતાની ત્રણ વર્ષની પુત્રી મિષ્ટી સાથે કુદી હતી,
માતા અને પુત્રી એક સાથે ધડાકાભેર નીચે પડતા બંનેના શરીરે ગંભીર ઇજા થઇ હતી. બે ફ્લેટ વચ્ચે આવેલા પેસેજમાંથી પાર્કિંગમાં માતાએ પુત્રી સાથે ધડકાભેર પડતું મૂક્તા રહીશો દોડી આવ્યા હતાં. તેમણે કોમલના પરિજનોને ઘટનાની જાણ કરી હતી. માતા કોમલબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. પુત્રી મિષ્ટીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.સમગ્ર ઘટનામાં પ્રાથમિક તપાસ મુજબ પૂણા પોલીસે જણાવ્યું કે સોમાણી પરિવારમાં ઘરકંકાસ થતો હતો. લાંબા સમયથી ચાલતા પારિવારિક કંકાસને કારણે કોમલબેને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કેસની વધુ તપાસ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.