My samachar.in:-ખંભાળિયા:કુંજન રાડિયા
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિકાસકાર્યો ન થતા હોવા ઉપરાંત પાલિકા સંદર્ભે વિવિધ કામગીરી કાયમી ચીફ ઓફિસરના અભાવે ટલ્લે ચડતી હોવાથી આ મહત્વના મુદ્દે અહીંના સત્તાધીશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.
– પાલિકામાં કાયમી ચિફ ઓફિસરની અછત-
ખંભાળિયા શહેરમાં આશરે દોઢેક વર્ષથી કાયમી ચીફ ઓફિસર નિમાયા નથી. એટલું જ નહીં, છેલ્લા થોડા સમયગાળા દરમિયાન છ જેટલા ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ બદલી ચૂક્યા હોવા વચ્ચે હાલ જામજોધપુરના ચીફ ઓફિસરને ખંભાળિયા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગબડાવવામા આવતા નગરપાલિકાના ગાડાથી સ્થાનિક વહીવટ તથા વિકાસ કાર્યોને માઠી અસર પહોંચતી હોવાથી ખંભાળિયા પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિગેરેને રજૂઆતો થઇ છે.
– નવા બનેલા શોપિંગ સેન્ટર તથા શાક માર્કેટ ધૂળધાણી-
ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના લોકોની સગવડતા તથા પાલિકાને આર્થિક ઉપાર્જન થાય તે માટે જોધપુર ગેઈટ પાસે અદ્યતન શોપિંગ સેન્ટર તથા પોર ગેઈટ પાસે પણ વર્ષો પહેલાં નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. જેને એક દસકાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ મંજૂરીના અભાવે હરાજી થઇ શકતી નથી અને પરિણામે આ કિંમતી બિલ્ડિંગો ધૂળ ખાય છે. એટલું જ નહીં, નગરપાલિકાને પણ મોટું આર્થિક નુકસાન જાય છે. આથી આ બંને ઈમારતોને હરાજી માટેની તાકીદે મંજૂરી મળે તે બાબતે ઇચ્છનીય ગણવામાં આવી રહી છે.
– રિવર ફ્રન્ટ યોજનાની રાહ જોતા નગરજનો-
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરની આગવી ઓળખ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાજપ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા તથા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પ્રયાસો હાથ ધરી, અહીંની ઘી નદી પાસે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ નવા અંગે વારંવાર રજૂઆતો છતાં પણ આ રકમ ફાળવવામાં આવી નથી. જો આ રકમ મંજૂર કરવામાં આવે તો ઘી નદી નજીક લોકો માટે એક હરવા ફરવાનું સારું સ્થળ મળી રહે.આટલું જ નહીં, જો આ વિકાસ કામ કરવામાં આવે તો ઘી નદી વિસ્તારમાંથી ગંદકી, ગંદા પાણીનો પ્રશ્ન તેમજ આ વિસ્તારના વિકાસના પ્રશ્નો હલ થાય.
– પાલિકાની જમીનનો પ્રશ્ન-
આ ઉપરાંત ખંભાળિયા વિસ્તારમાં નગરપાલિકાની જમીન ઉપર શ્રી સરકાર હોય, રેવન્યુ રેકોર્ડમાં નગરપાલિકાના નામ ન હોવાથી ટેકનિકલ મુદ્દાઓ ઉપસ્થિત થતા હોવાથી આ અંગે પણ તાકીદે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
– ખામનાથનો 118 વર્ષ જૂનો પુલ જર્જરિત-
ખંભાળિયામાં પોરબંદર તથા ભાણવડથી પ્રવેશમાર્ગ એવા શહેરને જોડતા ખામનાથ પુલનું આયુષ્ય પૂર્ણ પૂર્ણ થઇ રહ્યું છે. આશરે 118 વર્ષ જૂનો ઘી નદી પરનો આ સાંકડો પૂલ હાલ ખુબજ જર્જરિત બની ગયો છે. અહીં પી.ડબલ્યુ.ડી.ની હદ ન હોવાથી આ વિભાગ પુલ બનાવવાનો નનૈયો ભણે છે. જ્યારે નગરપાલિકા પાસે આ પુલના નવનિર્માણ પાછળ તોતિંગ ખર્ચનું બજેટ ન હોવાથી આ જર્જરિત પુલ ગમે તે સમયે જીવલેણ બનવાની સંભાવના જોવા મળી રહી છે. આથી તંત્ર દ્વારા તાકિદે આ નવો પુલ બનાવવામાં આવે તે માટેની પણ માંગ કરવામાં આવી છે.ખંભાળિયા શહેરમાં આ વિવિધ પ્રશ્નો સંદર્ભે તાકીદે લક્ષ લેવામાં આવે તે માટેની રજૂઆત નગરપાલિકા સત્તાવાહકો દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રભારીમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, બીનાબેન આચાર્ય, વિગેરેને કરી આ પ્રશ્ને મદદરૂપ થવા તથા તાકીદે નિરાકરણ આવે તે માટે માંગ કરાઇ છે.