Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો મોટી અને સંગઠિત વોટબેંક હોવાથી, આ વર્ગને સરકારોમાંથી અનેક જાતની આર્થિક સહાય અને સબસિડી વગેરે પ્રાપ્ત થતું હોય છે. જેમાં વિવિધ પ્રકારના કુંડાળાઓ આચરીને કેટલાંક તત્ત્વો ખેડૂતોના નામે સરકારમાંથી ધનલાભ અંકે કરી લેતાં હોય છે. આવા ઘણાં ‘ખોટાં’ ખેડૂતો સરકારના ધ્યાન પર આવતાં સરકારે પી.એમ.કિસાન યોજનામાંથી આવા પાત્રતા ન ધરાવતાં ખેડૂતોની બાદબાકી કરી નાંખી છે અને તેમની પાસેથી આ સરકારી નાણાં પરત મેળવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે જેને કારણે ખેડૂત વર્ગમાં ચકચાર મચી છે.
સરકારના આંકડા કહે છે: સરકારે ગુજરાતમાં 2,62,050 ખેડૂતોની પી.એમ.કિસાન યોજનામાંથી બાદબાકી કરી નાંખી છે. આ ખેડૂતોએ સરકારમાંથી ખોટી રીતે આર્થિક સહાય મેળવી લીધી હોય તેમની પાસેથી આ સહાયના નાણાં પરત ઓકાવવામાં આવશે. ઘણાં ખેડૂતોએ પતિ પત્ની બંનેના નામે તથા કેટલાંક ખેડૂતોએ પેન્શન મેળવવા સાથેસાથે આ ખેડૂત સહાય મેળવી લીધી છે. સરકારને છેતરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોને દર વર્ષે રૂ. 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે.
સમગ્ર રાજ્યમાં આ પ્રકારના ખોટાં ખેડૂતો પાસેથી સહાયના નાણાં પરત મેળવવા છેક ગ્રામસેવક સુધીના કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. આ 2.62 લાખ ખેડૂતોએ કરોડો રૂપિયા સરકારમાંથી ખોટી રીતે મેળવી લીધાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 53.19 લાખ ખાતેદાર ખેડૂતો છે. જો કે, આ આંકડો 9 વર્ષ અગાઉનો છે. રાજ્યમાં મોટાં ખેડૂતોની સંખ્યા 39,893 છે. 20.17 લાખ ખેડૂતો સીમાંત છે. નાના ખેડૂતોની સંખ્યા 16.15 લાખ છે. 11.50 લાખ ખેડૂતો અર્ધ-મધ્યમ કક્ષાના છે. અને, મધ્યમ કક્ષાના ખેડૂતોની સંખ્યા 4.95 લાખ છે. પી.એમ.કિસાન યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને દર વર્ષે સરેરાશ 3,100-3,600 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.(symbolic image source:google)