Mysamachar.in-જામનગર:
જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનો રૂપાલા વિવાદ મામલે હુંકાર તેજ બની ગયો છે, ભાજપા માટે ચૂંટણીઓ ટાણે અત્યારથી પાણી નાક સુધી આવી ગયું ડેમેજ કંટ્રોલના બુડબુડિયા પક્ષમાં જોવા મળી રહ્યા છે. કેમ કે, ખુદ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ, ભારે પોલીસ બંદોબસ્ત છતાં ક્ષત્રિય યુવાઓ પોતાનો કલર દેખાડી જવામાં સફળ રહેતાં હોય, હવે ભાજપાએ સમજાવટનો સૂર વ્યાપક બનાવવા પર ધ્યાન આપ્યું છે.
રૂપાલા મામલે શાસકપક્ષ માત્ર રાજ્ય જ નહીં, દેશભરમાં શિંગડે ભરાયો છે અને બરાબર ભેરવાયો છે. માત્ર ગાંધીનગર જ નહીં, દિલ્હી પણ મૂંઝારાનો અહેસાસ કરી રહ્યું છે અને એટલે દિલ્હીથી આવેલી સૂચનાઓના આધારે ગુજરાત ભાજપા અને ગુજરાત સરકારે ડેમેજ કંટ્રોલ કસરતો શરૂ કરવી પડી છે, જેને પક્ષ પાણી પહેલાંની પાળ લેખાવે છે અને ડર છૂપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સપાટી પરનું ચિત્ર સ્પષ્ટ છે. બળબળતું પાણી નાકમાં ઘૂસી રહ્યું છે.
કાલે રવિવારે પક્ષના પ્રદેશ એકમે અને સરકારે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને જામનગર-રાજકોટ મોકલી આગ આગળ વધતી અટકાવવા પ્રયાસ કર્યો. આ પ્રયાસ તેઓ મીડિયાકર્મીઓથી છૂપાવવા ચાહતા હતાં, તેથી વિઝિટની જાહેરાત થઈ નહીં અને ખાનગી હોટેલમાં ગુપ્ત બેઠક યોજવામાં આવી. પરંતુ મીડિયાકર્મીઓના સોર્સ વ્યાપક હોય, જામનગર અને રાજકોટમાં થયેલી આ ગતિવિધિઓ આખા રાજયમાં જાહેર થઈ ગઈ છે.
જામનગરમાં હોટેલમાં આયોજિત આ બેઠકમાં પ્રદેશ મહાનુભાવો ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ અને કલસ્ટર પ્રભારી આર.સી.ફળદુએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનાં પક્ષના વર્તમાન ક્ષત્રિય પદાધિકારીઓ અને ક્ષત્રિય પૂર્વ પદાધિકારીઓ સહિતના અગ્રણીઓને ફોર્મ્યુલા આપી કે, તમારાં વિસ્તારોમાં તમારાં ક્ષત્રિય સમાજના જે આંદોલનકારીઓ છે તેઓની સાથે ખાનગી ગ્રૂપ મીટિંગ કરી તેમને સમજાવો કે, રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. વાત પૂરી કરો. આંદોલન કરવાથી બચો. ભાજપાના કાર્યક્રમમાં વિરોધ ટાળો.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ ક્ષત્રિય સમાજમાં ભારે ગૂંચવણવાળી સ્થિતિ છે. આ હાલતમાં ક્ષત્રિયો ભાજપાના ક્ષત્રિય નેતાઓને સાંભળે કે આંદોલનના ક્ષત્રિય નેતાઓને. અને, ભાજપામાં રહેલાં ક્ષત્રિય નેતાઓને તો હવે જાહેરમાં ભાજપૂતો તરીકે ચિતરવામાં આવી રહ્યા છે, એ હાલતમાં ભાજપાનું આ ડેમેજ કંટ્રોલ સેલ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે ? કરી શકશે ? એ પણ સવાલ છે.