Mysamachar.in-અમદાવાદ:
રાજકોટનો રૂપાલા વિવાદ આખરે સમગ્ર રાજ્ય અને દેશમાં ભાજપાવિરોધ બની ગયો છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે જાહેરાત કરી દીધી છે કે, હવે વડાપ્રધાનની સભા હોય કે કેન્દ્રીય ગૃહમંત્રીની, ભાજપાનો વિરોધ અને બહિષ્કાર આખા રાજ્યમાં થશે અને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપાને હરાવવા માટે શક્ય બધું જ કરવામાં આવશે.
ક્ષત્રિયોએ જાહેરાત કરી દીધી છે કે, હવે મત એ જ અસ્ત્ર, મત એ જ શસ્ત્ર. સમગ્ર ગુજરાતમાં બોયકોટ ભાજપા, હવે ક્ષત્રિયોની આરપાર લડાઈનું સૂત્ર રહેશે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણી બાદ સર્જાયેલા વિવાદને લગભગ 27 દિવસ જેટલો સમય વીતી ગયો છે. ભાજપા ક્ષત્રિય સમાજને રીઝવી શકી નથી. અમિત શાહના વિનંતી સ્વરૂપના નિવેદનની પણ કોઈ જ અસર થઈ નથી. શાહના નિવેદન બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ક્ષત્રિયોની બેઠકમાં હવે આરપારની લડાઈની જાહેરાત કરવામાં આવી છે અને મતદાનના દિવસ સુધીના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે જેમાં એમ પણ કહેવાયું છે કે, ભલે અટકાયતો અને ધરપકડો થાય, ભાજપાનો વિરોધ તો થશે જ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની સભા હશે તો પણ વિરોધ નોંધાવવામાં આવશે.
આ અગાઉ રાજપૂત સમાજે ભાજપાને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપેલું, આમ છતાં રૂપાલા મુદ્દે ભાજપા અડગ રહેતાં ક્ષત્રિયોએ પણ ક્ષાત્રવટના દર્શન કરાવ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવનમાં સંકલન સમિતિ અને રાજપૂતોની 92 સંસ્થાઓના આગેવાનોની બેઠક શુક્રવારે બપોર બાદ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં આંદોલન પાર્ટ-2 શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપાનો વિરોધ, બહિષ્કાર અને ભાજપાની વિરુદ્ધ મતદાનનો નિર્ણય લીધો છે. બેઠક બાદ સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવાયું કે, 20મી એપ્રિલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ભાજપાનો વિરોધ કરવાનો રહેશે.
અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું: 120થી વધુ સંસ્થાઓ અને 150 ક્ષેત્રના આગેવાનો બેઠકમાં હતાં. સર્વાનુમતે નિર્ણયોને બહાલી આપવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 20 એપ્રિલથી 7 મે સુધી ક્રમિક રીતે એક એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનરે કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકતાં જાહેરનામાને હાઈકોર્ટમાં PIL ના માધ્યમથી કાનૂની પડકાર આપવામાં આવ્યો છે.
કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું: અમદાવાદ પોલીસનું આ પગલું લોકશાહીનું ખૂન છે. શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરીશું જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ધર્મરથ યોજવામાં આવશે. આગેવાનો આ રથમાં ફરશે. 22 એપ્રિલથી આ રથ ઘૂમશે. દરેક તાલુકામાં પ્રવક્તાની નિમણૂંક થશે. રાજકોટ અમારૂં એપી સેન્ટર રહેશે, જિલ્લાઓ મુજબ કમિટી બનાવવામાં આવશે. યુવા અને લીગલ કમિટી પણ બનશે. અમે ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરી છે કે, પોલીસ મોકલશો નહીં. હવે અમારૂં નવું સૂત્ર ‘ મત એ જ અસ્ત્ર, મત એ જ શસ્ત્ર ‘ રહેશે.
કરણસિંહ ચાવડાએ કહ્યું: અમે રૂપાલાને સો ટકા હરાવીશું. અમે બૂથ સુધી પહોંચીશું. રાજયમાં 8 બેઠકો પર ભાજપા ડેમેજ થાય છે. તમામ 26 બેઠકો પર અમારે એમને ડેમેજ કરવાનું છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિતની બેઠકો પર ડેમેજ થશે. ભાજપાનો બોયકોટ શરૂ થઈ ગયો છે. ભાજપાને કાંટાની ટક્કર આપીશું. પાંચ લાખની લીડની વાત ભૂલી જવાની. ભાજપાનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે તેને ફાયદો થશે. હવે રૂપાલાની વાત પૂરી, હવે લોકોને અમારાં સુધી લાવવાના છે, તમે સમજી લો કે ભાજપાને હરાવવાની છે.
કરણસિંહ ચાવડાએ કહ્યું: વિરોધ થશે, થશે અને થશે જ. ધરપકડ કરવી હોય તો કરી લેજો. અમને તમામ 26 બેઠક પર હવે રૂપાલા જ દેખાય છે. વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી તમામનો વિરોધ થશે. રાજકોટ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, કચ્છ અને જામનગરની બેઠક પણ હારશે. તૃપ્તિબા રાઓલે કહ્યું: 21 બહેનો 18 દિવસ સુધી ઉપવાસ કરશે. આખા ભારતની સ્ત્રીની અસ્મિતાનો સવાલ છે. કોઈ પણ નેતા માતા બહેનો અંગે ટીપ્પણીઓ કરી જાય, એ રાજપૂત સમાજ ચલાવી ન લ્યે.