Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શહેરોમાં એવી સ્થિતિઓ છે કે, રસ્તાઓની બંને તરફ લોકોને ચાલવા માટે ફૂટપાથ નથી અને જ્યાં પણ આવી થોડીઘણી ફૂટપાથ છે- ત્યાં ધંધાર્થીઓના દબાણો છે. જેને કારણે રાહદારીઓએ વાહનોથી ધમધમતા રોડ પર ચાલવું પડતું હોય છે અને જીવલેણ સહિતના અકસ્માત સર્જાતા રહે છે. આ હાલતમાં હવે કંઈક પરિવર્તન આવશે, એમ દેખાઈ રહ્યું છે. કેમ કે, સુપ્રિમ કોર્ટ આ બાબતે ગંભીર છે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું: 6 મહિનામાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ રચો. અદાલતે એક મહત્વપૂર્ણ ફેંસલામાં કહ્યું: બંધારણની ધારા 21 અંતર્ગત ફૂટપાથ પર ચાલવાનો નાગરિકનો અધિકાર છે. દેશભરમાં ફૂટપાથનો અભાવ છે, જ્યાં ફૂટપાથ છે ત્યાં મોટાભાગની ફૂટપાથ પર દબાણો છે. કેન્દ્ર અને રાજ્યની તમામ સરકારોએ લોકોને ચાલવા માટે ફૂટપાથ ઉપલબ્ધ થઈ શકે તે નિશ્ચિત કરવા અદાલતે જણાવ્યું છે. આ સાથે સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, ફૂટપાથ બનાવતી વખતે દિવ્યાંગોનો પણ ખ્યાલ રાખવાનો રહે છે. અને, આગામી 6 મહિનામાં આ માટે સરકારે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડની રચના કરવાની રહેશે, એમ પણ અદાલતે કહ્યું.
